રાજકોટના ટ્રાવેલ્સના ધંધાર્થી સાથે 11 લાખની ઠગાઇ
ટ્રાવેલ્સના ધંધાર્થીએ મિત્ર સાથે રાજસ્થાન પહોંચી તપાસ કરતા બંન્ને શખ્સોએ પૈસા પરત આપવા અંગે હાથ ઉંચા કરી દીધા
રાજકોટ શહેરના હરીધવા રોડ પર સુખરામ નગરમા રહેતા અને ત્રીસ વર્ષથી સરસ્વતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઓફીસ ધરાવતા ગજાનંદભાઇ પ્રભુદાસભાઇ ખરસાણી (કડીયા) (ઉ.વ. પ3) નામના ધંધાર્થીએ પોલીસમા રાજસ્થાનના જયપુરમા રહેતા જીતુ રાઠોડ અને આકાશ બલાના સામે 10 લાખ રૂપીયાની છેતરપીંડી કર્યાની પોલીસમા ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામા કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ બી. વી. ભગોરા સહીતના સ્ટાફે આરોપીને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.
ગજાનંદભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ગઇ તા. 25-10 ના રોજ સાંજના 6 વાગ્યે સાત હનુમાન મંદિર પાસે રવેચી ચા પાનની હોટલે તેઓ અને તેમના મિત્ર રામભાઇ મુંધવા, પરેશભાઇ પરમાર એમ બધા ચા પાણી પીવા માટે બેઠા હતા ત્યારે ફેસબુક પર આઇડી ખોલી જોતા હતા ત્યારે એક જાહેરાત આવી હતી અને તેમા બસ વેચવાની છે.
તેવુ લખી અને મોબાઇલ નંબર લખ્યા હતા. ત્યારબાદ તે મોબાઇલ નંબર પર ફોન કરતા સામા છેડે તેમણે પોતાનુ નામ જીતુભાઇ રાઠોડ (રહે. ગંગાનગર રાજસ્થાન) વાળો હોવાનુ જણાવ્યુ હતુ અને તેમણે વધુમા વાત કરતા કહયુ કે તેઓની પાસે 6 થી 7 જુની બસ વેચવા માટે પડી છે અને વોટસએપમા મેસેજ મારફતે ફોટા મોકલ્યા હતા.
ત્યારબાદ તા. 4-11 ના રોજ ગજાનંદભાઇ તેમના મિત્રો રામભાઇ અને પરેશભાઇ એમ ત્રણેય જયપુર બસ જોવા ગયા હતા. ત્યા તેઓને આરજે 09 પીએ 4984 અને આરજે 09 પીએ 4979 નંબરની બસ પસંદ પડી હતી તેમજ બંને બસ તેઓએ ખરીદવાનુ નકકી કર્યુ હતુ અને આ સમયે જીતુભાઇએ એક બસની દલાલી રૂ. 10 હજાર એમ કુલ રૂ. 20 હજાર આપવા પડશે તેવુ કહયુ હતુ.
ત્યારબાદ જીતુએ ગજાનંદભાઇને એક લોકેશન મોકલતા જે લોકેશન રાજસ્થાનના જયપુરના જવાહર નગરનુ આવતુ હોય ત્યા પહોંચી તપાસ કરતા આકાશ બલાના સાથે મુલાકાત થઇ હતી અને તેમણે બંને બસ માટે રૂ. ર1.80 લાખ નકકી કર્યા હતા. ત્યારબાદ આકાશે સુથીના રૂ. 1 લાખ રોકડા લીધા હતા. તેમજ બસ બહારના પાસીંગની હોય જેથી એનઓસી માટે 1પ થી ર0 દિવસનો સમય માગ્યો હતો.
ત્યારબાદ આકાશે ફોન કરી અડધુ પેમેન્ટ માગતા 19-11 ના રોજ જીતુભાઇનો ફોન આવ્યો કે તમે અડધુ પેમેન્ટ કરી આપો જેથી ર0-11 ના રોજ તેઓએ 10 લાખ રૂપીયાનુ પેમેન્ટ એચ. એમ. આંગડીયા પેઢી દ્વારા કરી દીધુ હતુ. પેમેન્ટ કર્યા બાદ આરોપીઓ સરખો જવાબ નહી આપતા ગજાનંદભાઇ તેમના મીત્રો સાથે ફરી રાજસ્થાન પહોંચ્યા હતા અને ત્યાથી જાણવા મળ્યુ હતુ કે ગજાનંદ ભાઇએ જે બસનો સોદો કર્યો તે બસ બંને ગઠીયાએ વેચી નાખી હતી. અને જીતુ રાઠોડનો સંપર્ક કરતા તેમણે પૈસા મને મળ્યા નથી તેવા બહાનાઓ કાઢી પૈસા ચાઉ કરી ગયો હતો અને આ મામલે આરોપીઓ દ્વારા પૈસા પરત આપવા મામલે હાથ ઉચા કરી દેતા અંતે કુવાડવા પોલીસ મથકમા ગજાનંદભાઇએ ફરીયાદ નોંધાવી છે.