જામજોધપુરના કોટડા બાવીસીમાં ટ્રેકટરની ટ્રોલી ચોરનાર ઝડપાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં થી એક ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલવામાં જામજોધપુર પોલીસ ની ટુકડીને સફળતા સાંપડી છે, અને પાટણ ગામમાંથી એક તસ્કર ને ઝડપી લીધો છે, અને ટ્રેક્ટરની ટ્રોલી કબજે કરી લીધી છે.
ચોરીના આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઈ ચંદુભાઈ કણસાગરા નામના ખેડૂતે પોતાના ઘર પાસે ખુલ્લા પ્લોટ માં રાખેલા ટ્રેક્ટરની ટ્રોલી ની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાવી હતી.જે મામલે જામજોધપુર પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને હાલ જામજોધપુરના કોટડા બાવીસી ગામમાં રહેતા, અને મૂળ બોચવડીનેશ ગામના વતની ગોગન લાખાભાઈ મોરીની પાટણ ગામ પાસેથી અટકાયત કરી લીધી છે.જે ટ્રેક્ટરની ચોરી કરીને ભાગી રહ્યો હતો, દરમિયાન પોલીસે તેને પકડી પાડ્યો છે, અને તેની પાસેથી ચોરાઉ ટ્રેક્ટરની ટ્રોલી કબજે કરી લીધી છે.