ઉપલેટામાં ITIના બે શિક્ષકોના ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાત
ઉપલેટાના બસસ્ટેન્ડ પાસે વણકર વાસમાં રહેતા અને દુમિયાણીમાં આઈટીઆઈના વાયરમેનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 22 દિવસ પૂર્વે આઈટીઆઈ ઉપલેટાના શિક્ષક અને શિક્ષિકાના ત્રાસથી આપઘાત કરી લીધો હોય જે મામલે છાત્રાના મોબાઈલમાંથી મળેલા વીડિયોના આધારે ઉપલેટા પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે બે શિક્ષકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મળતી વિગતો મુજબ ઉપલેટામાં રહેતા રાજેશભાઈ મનજીભાઈ ભાસ્કરનો પુત્ર ધાર્મિક પાંચ મહિના પૂર્વે ઉપલેટાના દુમિયાણી ખાતે આવેલા આઈટીઆઈના વાયરમેન વિભાગમાં અભ્યાસ માટે જોડાયો હતો. થોડા વખતથી ધાર્મિક તેની માતા અને પિતાને આઈટીઆઈના સર અને મેડમ હેરાન કરતા હોય તેવી વાત કરી હતી. 22 દિવસ પૂર્વે ગત તા. 5-2-2025ના સાંજે આઈટીઆઈથી આવ્યા બાદ ધાર્મિકે ઉપરના રૂમમા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી ધાર્મિકનો મોબાઈલ કબ્જે લીધો હતો. તપાસ કરતા ધાર્મિકના મોબાઈલમાંથી આપઘાત પૂર્વેનો વીડિયો મળી આવ્યો હતો.
ધાર્મિકે આપઘાત પૂર્વે કરેલા વીડિયો રેકોર્ડીંગમાં આઈટીઆઈ ઉપલેટાના મેડમ અને સર બન્ને હેરાન કરતા હોય અને તેમનાત્રાસથી તેણે આ પગલું ભરીલીધાનું જણાવ્યું હતું. આ મામલે ઉપલેટા પોલીસે રાજેશભાઈની ફરિયાદના આધારે આઈટીઆઈના શિક્ષક અને શિક્ષિકા સામે ગુનો નોંધ્યો છે. મૃતક ધાર્મિક બે ભાઈમાં નાનો હતો તેના પિતા મજુરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની તપાસ રાજકોટ એસસી-એસટી સેલના ડીવાયએસપી શ્રીજીતા પટેલ ચલાવી રહ્યા છે. ઉપલેટા પોલીસે આ મામલે જવાબદાર બન્ને શિક્ષકોની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.