લોધિકાના પારડી ગામના સરપંચ સહિત ત્રણ શખ્સોનો યુવાન ઉપર છરી વડે હુમલો
સરપંચની હોટલે સોડા અને વેફર લેવા જતાં જૂની અદાવતનો ખાર રાખી તું અહીં કેમ આવ્યો તેમ કહી તૂટી પડયાનો આરોપ
લોધિકાના પારડી ગામે રહેતો યુવાન પારડી ગામના સરપંચની હોટલે સોડા અને વેફર લેવા ગયો હતો ત્યારે સરપંચ અને તેના પુત્ર સહિતના શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી ‘તું અહિં કેમ આવ્યો તેમ કહી’ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, લોધિકાના પારડી ગામે શિતળા માતાજીના મંદિર પાસે રહેતાં યોગેશ મુકેશભાઈ સિંગલ નામનો 20 વર્ષનો યુવાન પારડી ગામના પુલ પાસે હતો ત્યારે કનૈયા હોટલના સંચાલક અને પારડી ગામના સરપંચ, તેનો પુત્ર અને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં યોગેશ સિંગલને અગાઉ સાત મહિના પહેલા ઝઘડો થયો હતો અને ગઈકાલે યોગેશ સરપંચની કનૈયા હોટલે વેફર અને સોડા લેવા માટે ગયો હતો ત્યારે સરપંચ પિતા-પુત્ર સહિતનાં શખ્સોએ ‘તું અહિં કેમ આવ્યો’ તેમ કહી વાસાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.