જૂનાગઢના ત્રણ લોકો સાથે લોભામણી લાલચ આપી 24 લાખની ઠગાઈ
ભંગાર, ભાગીદારી અને વિઝાના નામે ત્રણ લોકોને ફસાવ્યા, દંપતી સામે ગુનો નોંધાયો
દંપતિ છેતરપિંડી કર્યા બાદ કેશોદ છોડી અમદાવાદ-સુરત તરફ જતા રહેતા
ગુજરાતમાં છેતરપિંડીના કિસ્સાઓ દિવસે અને દિવસે વધી રહ્યાં છે, ત્યારે જુનાગઢમાં વધુ ત્રણ લોકોએ લોભામણી લાલચમાં આવીને લાખો રૂૂપિયા ગુમાવ્યાં છે. કેશોદ શહેરમાં રહેતા દંપતી રાજ સુરેશભાઈ કુંભાણી અને તેમની પત્ની હેનીષા ઉર્ફે હેલી કુંભાણી વિરુદ્ધ ત્રણ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. દંપતીએ એક જ જ્ઞાતિના અને પાડોશના પરિચિતોનો વિશ્વાસ કેળવીને, તેમને ત્રણ લોભામણી સ્કીમોમાં ફસાવ્યા હતાં. ફરિયાદીને વિદેશમાં નોકરી, સસ્તા ભાવે લોખંડનો ભંગાર અને મેડિકલ સ્ટોરમાં ભાગીદારી કરવા દંપતીએ ફરિયાદીઓ પાસેથી રોકડ, Google Pay અને RTGS દ્વારા કુલ ₹24,25,500 પડાવી લીધા છે. પોલીસે ત્રણેય કેસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી અશ્વિનભાઈ દેવરાજભાઈ ઉસદડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી દંપતીએ તેમના પુત્ર રઘુને આફ્રિકામાં સારી નોકરી અને વિઝા અપાવવાની લાલચ આપી હતી. જાન્યુઆરી, 2025થી જુલાઈ, 2025ના ગાળા દરમિયાન, ફરિયાદી, તેમના પુત્ર અને પત્નીએ પોતાના બેંક ખાતાઓમાંથી ગુગલ પે, RTGS અને રોકડ સ્વરૂૂપે કુલ ₹ 19,52,500 દંપતીને ચૂકવ્યા હતા. પૈસા લીધા પછી લાંબો સમય વિતવા છતાં વિઝા કે નોકરીની કોઈ કાર્યવાહી થઈ નહોતી. અંતે આરોપીઓએ મોકલેલો વિઝા કોલ લેટર ઈન્ડિયન એમ્બેસીમાં ચેક કરાવતા તે ખોટો હોવાનું બહાર આવ્યું હતું. પૈસા પાછા માંગતા આરોપીઓ ધમકીઓ આપતા હતા અને ફોન ઉપાડતા નહોતા.
બીજા કેસમાં ફરિયાદી ભાવેશભાઈ ઉકાભાઈ કોટડીયા છે, જેઓ વેપારી છે. આરોપી રાજ કુંભાણીએ તેમને વિશ્વાસમાં લીધા કે તેમનો અમદાવાદમાં મોટો ભંગારનો બિઝનેસ છે અને તેઓ વિદેશમાંથી સસ્તા ભાવે ક્ધટેનર મંગાવે છે. ફરિયાદીને સસ્તા ભાવે લોખંડનો ભંગાર આપવાની લાલચ આપી હતી. જેમાં જૂન, 2025થી જુલાઈ, 2025 દરમિયાન, ભંગાર ખરીદવા અને ક્ધટેનર છોડાવવાના બહાને રાજએ ભાવેશભાઈ પાસેથી ગુગલ પે દ્વારા કટકે-કટકે ₹2,73,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા.
એક અઠવાડિયા સુધી ભંગાર ન મળતા ફરિયાદીએ તપાસ કરી તો રાજએ ક્ધટેનર ન આવવાની વાત કરી અને પૈસા પરત આપવાનું કહી ફોન બંધ કરી દીધો હતો.
ત્રીજા કેસમાં ફરિયાદી સતીષભાઈ પ્રવીણભાઈ કાપડીયા છે. આરોપી રાજ કુંભાણી અને તેમની પત્ની હેનીષાએ તેમને કેશોદમાં મોટો મેડિકલ સ્ટોર શરૂૂ કરવાની અને તેમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી.
ભાગીદાર બનવા માટે ₹7,00,000ની જરૂૂરિયાત સામે ફરિયાદીએ માત્ર ₹2,00,000 આપવાની તૈયારી બતાવી, જે આરોપીઓએ સ્વીકારી લીધી હતી. જુલાઈ, 2025માં, ફરિયાદીએ તેમના પિતાજીના ખાતામાંથી રાજના ખાતામાં ₹2,00,000 ટ્રાન્સફર કર્યા. પૈસા લીધા પછી રાજએ વધુ પૈસાની માંગણી કરી અને જ્યારે ફરિયાદીએ ભાગીદારી રદ કરીને પૈસા પાછા માંગ્યા, ત્યારે દંપતીએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં અને ફોન બંધ કરી દીધા.
ત્રણેય ફરિયાદીઓની ફરિયાદ અને સ્થાનિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી દંપતીએ તેમની જ્ઞાતિના અન્ય લોકોને પણ આ જ પ્રકારની ખોટી સ્કીમો આપીને છેતર્યા હોવાની શક્યતા છે. દંપતી થોડો સમય કેશોદમાં રહે છે અને પછી અમદાવાદ-સુરત તરફ જતા રહે છે. પોલીસે હાલમાં ત્રણેય ગુનામાં દંપતી વિરુદ્ધ કલમ 406 (વિશ્વાસઘાત) અને 420 (છેતરપિંડી) હેઠળ ગુનો નોંધીને, નાણાકીય ટ્રાન્ઝેક્શન અને દંપતીના રહેઠાણ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે.