લારી રાખવા રોજના 500ની માગણી કરી ગાંઠિયાના ધંધાર્થીને ત્રણ શખ્સે માર માર્યો
ઝપાઝપી દરમિયાન ગરમ તેલનું બકડિયું પગ પર પડતાં યુવાન દાઝયો
શહેરમાં માર્કેટ યાર્ડ પાસે આવેલા હુડકો કવાર્ટરમાં રહેતો યુવાન સંતકબીર રોડ પર નાલા પાસે પોતાની ગાંઠીયાની લારીએ હતો ત્યારે કારમાં ધસી આવેલા ત્રણ શખ્સોએ દારૂના નશામાં ‘તારે અમને રોજના 500 રૂપિયાનો હપ્તો આપવો પડશે’ તેવું કહેતા યુવાને ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ યુવકને માર માર્યો હતો. મારામારી દરમિયાન ગરમ તેલનું બગડીયું યુવકના પગ પર પડતાં દાઝીયો હતો. યુવકની સારવારમાં ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ, માર્કેટ યાર્ડ પાસે હુડકો કવાર્ટરમાં રહેતાં રમેશ પ્રભુદાસ ભીમજયાણી (ઉ.35) રાત્રીનાં દસ વાગ્યાના સમયે સંતકબીર રોડ પર નાલા પાસે પોતાની ગાંઠીયાની લારીએ હતો ત્યારે હિરા સહિતના ત્રણ શખ્સો કાર લઈને ધસી આવ્યા હતાં. હિરાએ દારૂના નશામાં દરરોજના રૂપિયા 500ના હપ્તાની માંગણી કરી હતી. જેથી રમેશ ભીમજયાણીએ રૂપિયા આપવાની ના પાડતાં ત્રણેય શખ્સોએ માર માર્યો હતો. મારામારી દરમિયાન રમેશ ભીમજયાણી ઉપર ગરમ તેલનું બગડયું પડતાં પગના ભાગે દાઝી ગયો હતો. મારામારીમાં ઘવાયેલા અને દાઝી ગયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.