કોલેજવાડીમાં કેટરર્સના પૈસાની લેતી-દેતીમાં યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યો
મોબાઇલ બળજબરીથી પડાવી લીધો, પાછો આવીશ તો ભાંગી નાખીશ, ધમકી આપી
જામનગર રોડ ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર નં. 200માં રહેતાં અને કેટરસનું કામ કરી ગુજરાન ચલાવતાં રાહુલગીરી મહેશગીરી ગોસ્વામી (ઉ.વ.28)ની ફરિયાદ પરથી કોલેજવાડી-7માં રહેતાં રાહુલ દવે અને ત્રણ અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. રાહુલગીરીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના મિત્ર અજયભાઈ વિનોદભાઈ વધીયા સાથે પોતાની રિક્ષામાં બેસીને કોલેજવાડી શેરી નં. 9 ખાતે મહાદેવ કેટરર્સના રાહુલ દવે પાસે કેટરિંગના લેણાંની રકમ લેવા માટે ગયા હતા. સહુલગીરીએ રાહુલ દવેને પોતાના માણસોને પગાર આપવા માટે પૈસા આપવાના હોઇ પોતાની રકમ આપી દેવા કહ્યું હતું.
આ વખતે રાહુલ દવેએ પૈસા આપવાની ના પાડી દઇ કહ્યું હતું કે-તારા કેટરર્સના માણસો ડાઢી વાળા છે તે ચાલે નહીં. આ બાબતે બોલાચાલી થતાં રાહુલગીરીએ જે દાઢીવાળા હોય તેના પૈસા ન આપતાં, બાકીના તો આપો. આ સાંભળી રાહુલ દવેએ ઉશ્કેરાઈ જઇ માં-બહેન સામે ગાળો આપી બે-ત્રણ લાફા મારી દીધા હતા. રાહુલગીરીએ ગાળો આપવાની ના પાડતાં રાહુલ દવેએ હું તારો પગ ભાંગી નાખીશ કહી ધમકી આપી હતી. એ પછી તેના ત્રણ માણસોને બલાવી લઇ હુમલ કર્યો હતો. આ શખ્સોએ લોખંડના પાઇપ, તાવીથા અને કેરેટથી હુમલો કરી ઇજા કરી હતી તેમજ રાહુલગીરીનો મોબાઇલ ફોન પડાવી લીધો હતો.
હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાહુલગીરી અને તેના મિત્ર અજયભાઈ તાત્કાલિક ખાનગી હોસ્પિટલે રેલનગર ખાતે સારવાર માટે પહોંચ્યા હતા. તબીબી તપાસ અને એક્સ-રે રિપોર્ટમાં રાહુલગીરીના ડાબા હાથમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયુ હતું. પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ એસ. ડી. કોઠીવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
