કોઠારિયા સોલવન્ટમાં મિત્રના ઝઘડાનો ખાર રાખી યુવક ઉપર ત્રણ શખ્સોનો હુમલો
થોરાળા અને કેવલમ સોસાયટીમાં બે યુવકને માર પડ્યો
શહેરમાં કોઠારયા સોલન્ટ વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટરમાં રહેતા યુવકના મિત્ર સાથેના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટરમાં રહેતા રમજાન નુર મહોમદભાઈ સમા નામનો 25 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે સંજય, દર્શન અને સાજીદ ઉર્ફે ગઠિયો નામના શખ્સો ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ઈજાગ્રસ્ત યુવાને હુમલાખોર ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ હુમલાખોર શખ્સોને બે મહિના પહેલા પાડોશમાં રહેતા મિત્રપ્રવિણભાઈ સાથે ઝઘડો થયો હતો. જેમાં ઘવાયેલા પ્રવિણભાઈને સારવાર અર્થે હોસ્પિટલે લઈ ગયાનો ખાર રાખી ત્રણેય શખ્સોએ હુમલો કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં નવા થોરાળા મેઈન રોડ ઉપર રહેતા રવિભાઈ મોહનભાઈ નિમાવત ઉ.વ. 33 સંતકબીર રોડ ઉપર હતો ત્યારે હર્ષદ નામના શખ્સે ઝઘડો કરી બાઈકની ચાવી પડખામાં મારી દીધી હતી. જ્યારે બીજા બનાવમાં કાલાવડ રોડ ઉપર કેવલમ સોસાયટીમાં રહેતા સિકંદર રસુલભાઈ કુરેશી ઉ.વ. 26 સાથે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.