અમદાવાદમાં 20 લાખની લાંચ લેતા સરકારી વકીલ સહિત ત્રણ ઝડપાયા
જમીન તકરારમાં મનાઈ હુકમ માટે 50 લાખની લાંચના એડવાન્સ પેટે 20 લાખ લેતા એસીબીએ ઝડપી લીધા
અમદાવાદની કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલ સહિત ત્રણને એસીબીએ 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઈ કાર્યવાહી કરી છે. જમીન તકરારમાં મનાઈ હુકમ મેળવવા કરેલ દાવામાં ફરિયાદી તરફેણમાં હુકમ કરવા 50 લાખની લાંચ માંગી હતી. જે પૈકી 20 લાખ એડવાન્સ લેતા સરકારી વકીલ સહિત બે વકીલ અને એક વચેટિયો રંગેહાથ ઝડપાઈ ગયા હતાં.
અમદાવાદમાં આરોપી વકીલ અને વચેટિયા દ્વારા વેચાણ બાનાખતથી ખરીદેલ જમીન બાબતે કઠલાલ સીવીલ કોર્ટમાં સામેવાળાઓ વિરુધ્ધ મનાઇ હુકમ મેળવવા માટે દાવો કરેલ છે. તે દાવામાં ફરીયાદીની તરફેણમાં હુકમ કરાવી આપવા માટે લાંચ માંગવમાં આવી હતી. આરોપીએ ફરીયાદી પાસે રૂૂ.50 લાખની લાંચની માંગણી કરેલ હતી , તે પૈકી રૂૂ.20 લાખ પહેલા આપવાનાં અને બાકીનાં નાણાં મનાઇ હુકમ મળી ગયા બાદ આપવાનું નક્કી કરેલ હતું.પરંતુ ફરીયાદી લાંચ આપવા માંગતા ના હોઇ તેથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા એસીબી એ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ હતું. એસીબીના લાંચ છટકા દરમ્યાન મામલતદાર કચેરી નરોડા ની સામે, જે.કે.ઝેરોક્ષની દુકાનમાં સરકારી વકીલ રાજેન્દ્ર ભરત ગઢવી સાથે સુરેશ કુમાર પ્રહલાદ પટેલ (વકીલ મેટ્રો કોર્ટ,રહે.નરોડા) અને વિશાલ કૌશીક પટેલ (વચેટીયા) રંગે હાથ પકડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલાં આરોપીઓની એસીબીએ આગળની તપાસ હાથ ધરી છે.લાંચ લેતા પકડાયેલા સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવી અન્ય વકીલ સુરેશ પટેલ અને વચેટિયા વિશાલની ઘરે એસીબીની ટીમે સર્ચ ઓપરેશન પણ કર્યુ હતું.