પોલીસ ઉપર હુમલો કરનાર ત્રણ ટપોરી ઝડપાયા, 9ની શોધખોળ
ગુજસીટોકના ગુનામાં 1 વર્ષ પૂર્વે જામીન ઉપર છૂટેલા કુખ્યાત માજીદ ભાણુએ અડધો ડઝન ગુના આચર્યા
પકડાયેલ ત્રિપુટીને કાયદાનુ ભાન કરાવ્યું, ઘટનાસ્થળે લઇ જઇ "વરઘોડો” કાઢતી પોલીસ
ગુજસીટોકમાં જામીન પર છૂટેલા કુખ્યાત શખ્સ અને તેની ટોળકીએ મળી બે પોલીસમેન સાથે ઝપાઝપી કરી છૂટા પથ્થરનાં ઘા કરી, બંને પોલીસમેનનેે ભગાડી મૂક્યાની સમગ્ર પોલીસ બેડા માટે શરમજનક ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટના બાદ ડીસીપી સહિતનાં અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પરંતુ આ સમગ્ર કવાયત ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સાબિત થઇ હતી. આ ઘટનામા પોલીસે કુખ્યાત માજીદ ભાણુ અને તેના સાગ્રીતો સહીત 1ર વિરૂધ્ધ ગુનો દાખલ કર્યા બાદ આ પ્રકરણમા ત્રણ ટપોરીઓની ધરપકડ કરી અન્ય 9 ની શોધખોળ શરૂ કરી છે. પોલીસે પકડાયેલ ત્રીપુટીનો વરઘોડો કાઢી કાયદાનુ કરાવ્યુ હતુ તેમજ ફરાર થયેલા ટોળકીના અન્ય 9 ને ઝડપી લેવા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે.
રૂૂખડીયાપરામાં મેલડી માતાનાં મંદિર પાસે રહેતા ફરીદાબેન જુસબભાઈ શેખ (ઉ.વ.40)નાં જમાઇ સબીરનાં નાનાભાઇ અનવરને બજરંગવાડીમાં ગુજસીટોકમાંથી જામીન પર છૂટેલા માજીદ ભાણુ અને તેના મિત્રો સાથે માથાકૂટ થઇ હતી. જેનો ખાર રાખી માજીદ તેના સાગરીતો સાવન ઉર્ફે લાલી, સમીર ઉર્ફે ધમો, સાહીલ ભૂરો અને અજાણ્યો ઇસમ જુદા-જુદા બાઇક પર ફરીદાબેનનાં ઘરે ધસી ગયા હતા અને સોડા બોટલના છુટા ઘા કરી ભયનુ વાતાવરણ ઉભુ કરી દીધુ હતુ. મોડીરાત્રે બે વાગ્યાની આસપાસ કોન્સ્ટેબલ તોફીકભાઈ અને બીજા કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા માજીદને પકડવા માટે જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસેનાં સ્લમ ક્વાર્ટર નજીક આવેલા કમિટી ચોક પાસે પહોંચ્યા હતાં. ત્યાં માજીદ અને તેનાં 10થી 12 સાગરીતોએ બંને પોલીસમેન પર હુમલો કરી બાઇકમા તોડફોડ કરી હતી. હુમલા બાદ બંને કાન્સ્ટેબલોએ જીવ બચાવવા પોતાનાં બાઇક મૂકી ત્યાંથી દોટ મૂકી હતી.
ત્યાર પછી તે વિસ્તારની બહાર આવી તત્કાળ પીઆઈ ડોબરીયાને જાણ કરતાં તે સ્ટાફનાં માણસો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પોલીસને મારકૂટ કરી ભગાડી મૂકાયાની આ શરમજનક ઘટના બાદ સ્થળ પર ડીસીપી, એસીપી સહિતનાં અધિકારીઓ પણ દોડી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં માજીદ અને તેના સાગરીતો ભાગી ગયા હતાં. આ સમગ્ર મામલે પોલીસ કમિશ્નરે તાત્કાલીક આરોપીઓને ઝડપી લેવા સુચના આપી હોય જેને પગલે પ્રનગર પોલીસે આ પ્રકરણમા સંડોવાયેલા સમીર બશીર શેખ ઉર્ફે ધમાની બનાવની રાત્રે જ ધરપકડ કર્યા બાદ આ પ્રકરણમા સંડોવાયેલા સાવન સંજય વાઘેલા ઉર્ફે લાલી અને અસરફ શીવાણીની ધરપકડ કરી હતી.
પોલીસ ઉપર હુમલો કરી ભયનુ વાતાવરણ ઉભુ કરનાર આ ત્રીપુટીને પોલીસે કાયદાનુ ભાન કરાવી ઘટના સ્થળે લઇ જઇ ત્રણેયનો વરઘોડો કાઢયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજસીટોકના ગુનામા 1 વર્ષ પુર્વે જામીન પર છુટેલા માજીદ ભાણુએ છ જેટલા ગુના આચર્યા છે. ત્યારે આ મામલે હવે પોલીસે તેના જામીન રદ કરાવવા માટે પણ તજવીજ હાથ ધરી છે અને અન્ય 9 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ટોળકી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાશે
રૂખડીયા કોલોનીમા મહીલાના ઘરે આતંક મચાવી પ્રનગર પોલીસ મથકના બે કોન્સ્ટેબલ પર હુમલો કરનાર ગુજસીટોકના ગુનામા જામીન પર છુટેલા માજીદ ભાણુ અને તેના મળતીયાઓએ આચરેલા આ ગુન્હા બાદ હવે આ મામલે પોલીસે આવા લુખ્ખાઓને ખો ભુલાવી દેવા કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. માજીદ ભાણુના જામીન રદ કરવા તેમજ તેની સાથે આ ગુનામા સંડોવાયેલા અન્ય લુખ્ખાઓની ક્રાઇમ કુંડળી કાઢી આ તમામ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.