ધોરાજી અને લોધિકામાં જુગારના ત્રણ દરોડા, 16 શખ્સો ઝડપાયા
રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે ઠેર ઠેર જુગારના નાના મોટા પાટ મંડાયા છે ત્યારે પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડીને જુગાર રમતા 16 પત્તાપ્રેમીઓની ધરપકડ કરી 68 હજારની રોકડ સહિત 1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ધોરાજીમાં 2 અને એક લોધિકામાં દરોડો પાડયો હતો.
મળતી વિગતો મુજબ, ધોરાજીમાં બે અલગ અલગ સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ દરોડામાં જુગાર રમતા તોસિફ તુફેલ ચામડીયા, ઈકબાલ ઈબ્રાહીમ પઠાણ, જફરશા ફારૂકશા શાહમદાર, ઈમરાન સત્તાર ચૌહાણ અને ઈમરાન ઈકબાલ છુટાણીની ધરપકડ કરી 11333ની રોકડ કબજે કરી હતી. જ્યારે બીજા દરોડામાં ધોરાજીના બહારપુરામાં રહેતા શરફરાજ ગફાર બેલીમના ઘરે દરોડો પાડી જુગાર રમતા શરફરાજ ઉપરાંત બોદુ હબીબભાઈ ખાટકી, ઈમરાન સતાર કટારીયા, ફીરોજ ઈકબાલ બેલીમ, આઝમ અબુ બાદશાહની ધરપકડ કરી 24110ની રોકડ કબજે કરવામાં આવી હતી.
જ્યારે લોધિકામાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા શૈલેષ કાનજી મકવાણા, સવજી ખીમજી કુકડીયા, મહેશ કુકા મેટાડીયા, પ્રવિણ મોહન મકવાણા, ગોરધન ભીખા સાકરીયા અને મુકેશ વિઠ્ઠલ સાકરીયાની ધરપકડ કરી 31 હજારની રોકડ કબજે કરી 56 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.