ગોંડલના ત્રણ બ્યુટી પાર્લર સંચાલિકા સાથે રૂા.10.73 લાખની છેતરપિંડી
ઓડીસાના દંપતીએ બ્યુટી કેર પ્રોડકટની ફ્રેન્ચાઈઝી આપી ઠગાઈ કર્યાની ફરિયાદ
ગોંડલના ત્રણ બ્યુટી પાર્લર સંચાલિકા મહિલા સાથે ઓડીસાના દંપતિએ બ્યુટી કેર પ્રોડકટની ફ્રેન્ચાઈઝી આપી રૂા.10.73 લાખની છેતરપીંડી કરતાં આ મામલે ગોંડલ સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે ઓડીસાના દંપતિ વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે આગળની તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, ગોંડલના ભવનાથ શેરી નં.10માં રહેતાં રિટાબેન મેહુલભાઈ લુણાગરીયા (ઉ.48)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઓડીસાના શ્રીકાંત અને તેની પત્ની સુનિતાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રિટાબેન છેલ્લા 22 વર્ષથી બ્યુટી પાર્લર અને કોસ્મેટીક આઈટમોનું વેચાણ કરતાં હોય તેમના અનમોલ બ્યુટીપાર્લરમાં તેઓ કોસ્મેટીક આઈટીમ વેચે છે. તેમની સહેલી કે જે જેતપુર રોડ પર મીરા બ્યુટી પાર્લર નામે વ્યવસાય કરે છે તે નિતાબેન મુકેશભાઈ સુખડીયા તેમજ અન્ય એક બ્યુટીપાર્લર સંચાલિકા જે ગોંડલના સંજય સોસાયટી પુનિતનગર મેઈન રોડ ખાતે નિલધારા બ્યુટી પાર્લર ચલાવે છે તે અમીતભાઈ રેખાબેન રૈયાણી સાથે આ દંપતિએ છેતરપીંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
આ મામલે રીટાબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઓડીસાના શ્રીકાંત મહાપાત્રા અને તેની પત્ની સુનિતા કે જે બ્યુટી કેર પ્રોડકટનું વેચાણની ફ્રેન્ચાઈઝી ગોંડલમાં આપી હતી અને 10 ટકા કમિશનની વાત કરતાં રીટાબેને રૂા.5 લાખ તથા નિતાબેને રૂા.અઢી લાખ, તેમજ રીખાબેને રૂા.4.99 લાખ ડીપોઝીટ પેટે આપ્યા હતાં.
દંપતિએ જે ફ્રેન્ચાઈઝી આપી હોય તેની બ્યુટી પ્રોડકટનું વેચાણ કરતાં હતાં. બાદમાં તેમની પાસે રહેલ બ્યુટી પ્રોડકટની તારીખ પુરી થઈ જતાં આ એક્ષ્પાઈરી ડેટનો માલ પરત લેવા માટે શ્રીકાંત અને તેની પત્નીને ફોન ઉપર વાતચીત કરતાં આ માલ પરત મંગાવી લીધો હતો અને તેના રૂપિયા પરત આપ્યા ન હતાં. આમ ત્રણેય બ્યુટી પાર્લરના સંચાલિકા સાથે ઓડીસાના દંપતિએ બ્યુટી કેર પ્રોડકટના નામે ડિપોઝીટ પેટે રૂપિયા લઈ એકસ્પાઈરી ડેટ વાળો માલ પરત મેળવ્યા બાદ તેની રકમ પરત આપી ન હતી કે નવો માલ પણ મોકલ્યો ન હોય જે અંગે રૂા.10.73 લાખની છેતરપીંડી કરનાર દંપતિ વિરૂધ્ધ અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.