ભગવતીપરા, કુબલિયાપરા અને લક્ષ્મીનગર પાસેથી 69 ચાઇનીઝ ફીરકી સાથે ત્રણ ઝડપાયા
ઉતરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરોમા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ થતુ હોવાની હકીકત જાણવા મળતા પોલીસ દ્વારા પતંગના વેપારીઓને ત્યા દરોડા પાડવામા આવી રહયા છે અને ચાઇનીઝ દોરી સાથે પકડાતા વેપારીઓ સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમા ભગવતીપરા, કુબલીયાપરા અને લક્ષ્મીનગર પાસેથી 3 શખ્સોને 69 ચાઇનીઝ ફીરકી સાથે ઝડપી લેવામા આવ્યા હતા.
વધુ વિગતો મુજબ બી ડીવીઝન પોલીસ મથકના ક્રિપાલસિંહ જાડેજા સહીતનો સ્ટાફ ભગવતીપરા પુલની નીચે પેટ્રોલીંગ કરી રહયો હતો ત્યારે ત્યાથી પસાર થયેલા રાજેશ ઉર્ફે રાજુ મનુ વાઘેલા (ભગવતીપરા શેરી નં 9 દશામા માતાજીના મંદિર પાસે) ને અટકાવી તેના પાસે રહેલી વસ્તુ અંગે ચેક કરતા અલગ અલગ નાની મોટી રૂ. 11300 ની 49 ચાઇનીઝ દોરી મળી આવી હતી.
ત્યારબાદ બીજા દરોડામા પીએસઆઇ એ. પી. રતન અને મહેશભાઇ સોલંકી સહીતના સ્ટાફે કુબલીયાપરા જવાના મેઇન રોડ પર સુરેશ ધર્મેશ ડોડીયા (રહે. સીતારામ નગર શેરી નં ર રાજમોતી મિલની પાછળ) વાળાને પકડી લઇ તેની પાસેથી રૂ. ર હજારની 10 ફીરકી કબજે કરી હતી. સુરેશ ધુળધોયાનુ કામ કરે છે અને હાલ મકર સંક્રાતી આવતી હોય જેથી પોતે ચાઇનીઝ દોરી વેચવા નીકળ્યો હતો અને પોલીસે તેને ઝડપી લીધો હતો.
જયારે ત્રીજી ઘટનામા લક્ષ્મીનગર મેઇન રોડ શેરી નં 4, કુળદેવી કૃપા મકાન પાસે રાજેશ સામત ગુજરાતી પોતાના ઘર પાસે ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતો હોય તેમને પકડી લઇ તેમની પાસેથી 3000 રૂપિયાની 10 ચાઇનીઝ ફીરકી કબ્જે કરી હતી.