For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીધામના ગળપાદર પાસે મકાન અને સ્કૂટરમાંથી 19 કિલો ગાંજા સાથે ત્રણ પકડાયા

01:21 PM Jun 11, 2025 IST | Bhumika
ગાંધીધામના ગળપાદર પાસે મકાન અને સ્કૂટરમાંથી 19 કિલો ગાંજા સાથે ત્રણ પકડાયા

તાલુકાના ગળપાદર પાસે આવેલા સહારાનગર વિસ્તારમાં એક મકાનની અંદર તથા બહાર પાર્ક કરાયેલ મોપેડમાંથી પોલીસે રૂૂા. 1,92,740ના 19.274 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે માલ આપનારા શખ્સનું નામ બહાર આવ્યું હતું. ગળપાદરના સહારાનગર વિસ્તારમાં આવેલા પ્લોટ નં. બી-159માં રહેનાર હરપાલસિંહ અજિતસિંહ જેઠવા નામનો શખ્સ પોતાના કબજાનાં મકાનમાં નશીલા પદાર્થ રાખી તેનું વેચાણ કરતો હોવાની સચોટ પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.

Advertisement

માતૃકૃપા લખેલ આ શખ્સના કબજાના મકાનમાં જતાં શખ્સ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેને સાથે રાખી ઘરની તપાસ હાથ ધરી હતી, જેમાં એક રૂૂમમાં ખાટલા પાસે અનાજના કોથળાની સાથે એક બેગ મળી આવી હતી, જે ખોલી જોતાં તેમાંથી પ્લાસ્ટિકના જુદા-જુદા બે ઝબલાં મળ્યાં હતાં. આ પીળા અને કાળા રંગનાં ઝબલાંમાં સૂકાયેલી લીલી પત્તીવાળો પદાર્થ મળી આવ્યો હતો, જે આ શખ્સ હરપાલસિંહએ તે ગાંજો હોવાનું જણાવ્યું હતું. બાદમાં રૂૂમમાં હાજર અન્ય બે શખ્સની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ગળપાદર વર્ધમાનનગરનો જોગેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા નામનો શખ્સ કાર્ગો પીએસએલ વિસ્તારના મનોજ ભાગવત શર્માને અહીં લઇ આવ્યો હોવાનું બહાર આવ્યું હતું તેમજ મનોજ શર્મા મોપેડ એક્ટિવા નંબર જી.જે. 39-ઇ. 7892માં બેગ રાખી તેમાં ગાંજો ભરી અહીં હરપાલસિંહને વેચવા આવ્યો હતો.

ઘરની બહાર એક્ટિવા પાસે મૂકેલી બેગમાંથી સેલોટેપ વીંટાળેલાં નવ પેકેટ પોલીસે જપ્ત કર્યાં હતાં. આ નવ પેકેટમાં રહેલ નશીલો પદાર્થ ગાંજો હોવાનું મનોજ શર્માએ જણાવ્યું હતું. દરમ્યાન તેણે કાર્ગોના અનુ ઉડિયા નામના શખ્સ પાસેથી વેચાતો લીધો હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. પકડાયેલા ત્રણેય શખ્સો પાસેથી રૂૂા. 1,92,740નો 19 કિલો 274 ગ્રામ ગાંજાનો જથ્થો, મોપેડ, મોબાઇલ, રોકડ રકમ વગેરે મળીને કુલ રૂૂા. 3,75,440નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. હાથમાં ન આવેલા અનુ ઉડિયાને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement