વડોદરામાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ત્રણ નરાધમો ઝબ્બે
200 પોલીસે 45 કિલોમીટર વિસ્તારના 1100 સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીઓ સુધી પહોંચવામાં મેળવેલી સફળતા
વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં સગીરા ઉપર થયેલા દુષ્કર્મ કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાંચે 48 કલાકમાં 11 સાયન્સની છાત્રા સાથે સામુહિક દૂષ્કર્મ ગુજારનાર ત્રણ વિધર્મી શખ્સોને ઝડપી લીધા હતાં. આ ચકચારી ઘટનામાં વડોદરા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 200થી વધુ પોલીસ કર્મચારીઓએ 1100 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. વડોદરાની આ ચકચારી ઘટનાને લઈને પોલીસને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હોય જેમાં સાળો-બનેવી અને અન્ય એક એમ કુલ ત્રણ પરપ્રાંતિય શખ્સોની વિશેષ પુછપરછ શરૂ કરી છે.
નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મુળ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના ગૌરાનો વતની અને વડોદરાના તાંડરજાના કાલીતલાવડી નજીક એકતા નગરમાં રહેતા અને પીઓપીનું કામ કરતા મુન્ના અબ્બાસ બનજારા (ઉ.વ.27) તથા મુન્નાના બનેવી ઉત્તર પ્રદેશના આલાપુલના રામબાગ બડાગાવનો વતની અને હાલ વડોદરાના તાંદરજા કાળી તલાવડી એકતા નગરમાં રહેતો અને પીઓપીનું કામ કરતો મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા ઉ.વ.36 અને ઉત્તરપ્રદેશના અકબરપુર જિલ્લાના શહેજાદપૂર તાલુકાના લોરનપુર તાજન ગામના વતની અને વડોદરાના તાંદરજા વિસ્તારમાં શનફાર્મા કંપની પાછળ અક્ષા હાઈટ્સમાં રહેતો અને પીઓપીનું કામ કરતો શાહરુખ કિસ્મતઅલી બનજારાની ધરપકડ કરી છે.
ગત તા. 4-10ના રોજ સગીરા તેના મિત્ર સાથે ગોતરી ખાતે ભેગા થયા બાદ બાઈક ઉપર સેવાસી ભાયલી કેનાલ રોડ ઉપર આવેલ એક ખુલ્લી જગ્યામાં બેઠી હતી ત્યારે મોટર સાયકલ પર આવેલા આરોપીઓએ બન્નેની પુછપરછ કરી હતી. જેમાં એક મોટર સાયકલ ઉપર ત્રણ અને બીજા મોટર સાયકલ ઉપર બે તેમ પાંચ લોકો હતાં. જેમાં ડબલ સવારી મોટર સાયકલ પર આવેલા આ ત્રિપુટીના સાથેના બે શખ્સોએ પકડાયેલા મુન્ના, મુમતાજ અને શાહરુખને આ કપલને જવા દેવા માટે કહી ત્યાંથી નિકળી ગયા હતાં. અને બાદમાં 11:30થી 12 વાગ્યાના સુમારે આ સમગ્ર ઘટના બની હતી અને આ ત્રણેય શખ્સોએ સગીરાના બોયફ્રેન્ડને પકડી રાખી તેની સાથે શારીરિક અડપલા કરી અને બળજબરીપૂર્વક સામુહિક દુષ્કર્મ ગુજાર્યુ હતું. અને સગીરાનો મોબાઈલ પણ લુંટીને ભાગી છૂટ્યા હતાં.
ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા માટે પોલીસે ભારે મહેનત કરી હતી. આરોપીને શોધવા માટે 200થી વધુ પોલીસકર્મીઓ શોધખોળ અભિયાનમાં જોડાયા છે. આ પોલીસ જવાનો તથા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી સુધીના 1100થી વધુ સીસીટીવી ચેક કરીને આ દુષ્કર્મ કેસના સાળા બનેવી સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિમી વિસ્તારના 1 હજાર ઘરોમાં પોલીસે તલાશી લીધી હતી.દુષ્કર્મ કેસના આરોપી મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરુખ બનજારાનું મેડિકલ તપાસ માટે પોલીસ તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. મેડિકલ તપાસ બાદ પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે. દુષ્કર્મ આચર્યા બાદ ક્યાં ફરાર થઈ ગયા, તેઓ એકબીજા સંપર્ક કેવી રીતે આવ્યા, આ ગુનામાં બીજું કોઈ સંડોવાયેલું છે કે કેમ, તે અંગેના તમામ પ્રશ્નોના જવાબ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાની માતાએ કરેલો કોલ આરોપીએ રિસીવ કર્યોને પોલીસનું કામ બની ગયું
ભાયલી પાસેની અવાવરું જગ્યા પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કરી ફરાર થઈ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઇલ પણ લૂંટ્યો હતો. આ મોબાઇલ રાત્રે 1:20 મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું. પુત્રી મોડી રાત સુધી ઘેર નહીં આવતાં તેની માતા તેના મોબાઇલ પર સતત ફોન કરતી હતી. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડ્યો હતો અને માત્ર પાંચ સેક્ધડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઑફ થઈ ગયો હતો. જે અંગેની માહિતી પોલીસને મળતા નરાધમોએ સગીરાની માતા સાથે માત્ર પાંચ સેકંડ માટે કરેલી વાત આરોપીઓ સુધી પોલીસને લઈ ગઈ હતી.
મુન્નાની પત્ની સગર્ભા હોય હવસ સંતોષવા માટે સગીરાને શિકાર બનાવી
પોલીસ તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં મુળ ઉત્તર પ્રદેશનો વતની મુન્ના અબાસ બંજારા 10 વર્ષ પહેલા રોજગાર માટે વડોદરા આવ્યો હોય હાલ તે પોતાની સગર્ભા પત્ની સાથે રહેતો હોય અને તેનો ભાઈનો બનેવી મુમતાજ આફતાબ સુબેદાર પણ તેની સાથે જ રહે છે. મુન્નાની પત્ની સગર્ભા હોય તેણે હવસનો કિડો સળવળતો હોય દરમિયાન મુમતાદ અને મિત્ર શાહરુખ સાથે ભાયલી વિસ્તારમાંથી નિકળ્યો ત્યારે સગીરાને તેના બોયફ્રેન્ડ સાથે એકલી બેઠેલી જોઈ પોતાની હવસ સંતોષવા સગીરાને શિકાર બનાવી હતી. મુન્ના સાથે મુમતાજ અને શાહરુખે પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પકડાયેલ મુમતાજ સામે તેની પત્નીએ દહેજ ધારાનો કેસ કર્યો હોય જેમાં તે પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ
વડોદરાના ચકચારી સામુહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીને 48 કલાકમાં પોલીસે ઝડપી લીધા હોય જેમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા ઈન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલ તેમજ ક્રાઈમ બ્રાંચના ડીસીપી એચએ રાઠોડના માર્ગ દર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના એસીપીના સુપરવીઝનમાં ક્રાઈમ બ્રાંચના પીઆઈ આર.જી જાડેજા, પીઆઈ એચ.ડી. તુવરના માર્ગદર્શન હેઠળ 8 પીએસઆઈ, 55 પોલીસ કર્મચારી મળી કુલ 65 પોલીસ જવાનો અને કર્મચારીઓ એકબીજાના સંકલનમાં રહી બે શીફ્ટમાં આ ગંભીર ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે કામે લાગ્યા હતા અને 45 કિલોમીટરના રૂટ ઉપર 1100 સીસીટીવી કેમેરા તપાસી અંતે આ ત્રિપુટીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.