'આતો ફક્ત Trailer..' બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીના ઘર પર ફાયરિંગ, ગોદારા-બ્રાર ગેંગે લીધી જવાબદારી
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની સાથે સંબંધિત એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બરેલીમાં તેના ઘરે ગોળીબાર થયો છે. આ ઘટના આજે સવારે 4:30 વાગ્યે બની હતી, બાઇક પર આવેલા બે શખ્સોએ એક પછી એક બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ પછી બંને ભાગી ગયા હતા. આ ફાયરિંગની જવાબદારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લેવામાં આવી છે, જેની પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ હાલમાં ફાયરિંગ કરનારાઓની શોધ કરી રહી છે. દિશા પટનીનો આખો પરિવાર, મોટી બહેન ખુશ્બુ પટની અને માતા-પિતા તેના બરેલીના ઘરમાં રહે છે. ખુશ્બુ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, પરંતુ તેણે હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, તેના ઘરે કોણે ફાયરિંગ કર્યું તેની માહિતી સોશિયલ મીડિયા દ્વારા સામે આવી છે.
દિશાના ઘરે ફાયરિંગ વીરેન્દ્ર ચરણ ગેંગ દ્વારા કરવામાં આવ્યું છે. તેણે પોતે આ ફાયરિંગની જવાબદારી લીધી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેણે કહ્યું છે કે, 'જય શ્રી રામ, બધા ભાઈઓને રામ રામ. હું વીરેન્દ્ર ચરણ, મહેન્દ્ર સરન (ડેલાના) છું.' ભાઈઓ, આજે આપણે દિશા પટનીની બહેન ખુશ્બુ પટનીના ઘરે પર ગોળીબાર કરાવ્યો છે.'
'તેણે આપણા પૂજ્ય સંત પ્રેમાનંદજી મહારાજ અને અનિરુદ્ધાચાર્યજી મહારાજનું અપમાન કર્યું હતું. તેણે આપણા સનાતન ધર્મને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આપણે આપણા પૂજ્ય દેવતાઓનું અપમાન સહન નહીં કરીએ. આ તો ફક્ત એક ટ્રેલર હતું. આગલી વખતે જો તે કે અન્ય કોઈ આપણા ધર્મ પ્રત્યે કોઈ અભદ્ર વર્તન કરશે, તો આપણે કોઈને પણ તેમના ઘરમાંથી જીવતા નહીં છોડીએ.'
'આ સંદેશ ફક્ત તેમના માટે જ નહીં પરંતુ ફિલ્મ જગતના તમામ કલાકારો અને તેમની સાથે સંકળાયેલા લોકો માટે છે. જો ભવિષ્યમાં કોઈ આપણા ધર્મ અને સંતો સાથે સંબંધિત આવું અપમાનજનક કૃત્ય કરશે, તો તેના પરિણામો ભોગવવા તૈયાર રહો. આપણે આપણા ધર્મનું રક્ષણ કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છીએ. આપણે ક્યારેય પાછળ હટીશું નહીં. આપણા માટે, ધર્મ અને આખો સમાજ હંમેશા એક છે, તેમનું રક્ષણ કરવું એ આપણી પહેલી ફરજ છે.'
દિશાની બહેન ખુશ્બુ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. થોડા મહિના પહેલા, જ્યારે અનિરુદ્ધાચાર્યએ મહિલાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, ત્યારે દિશાની બહેને સોશિયલ મીડિયા પર અનિરુદ્ધાચાર્યના શબ્દોની નિંદા કરતો એક વીડિયો જાહેર કર્યો હતો. તે જ સમયે, પ્રેમાનંદ મહારાજનો મહિલાઓ પરનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.
આવી સ્થિતિમાં, લોકો માનતા હતા કે દિશાની બહેન ખુશ્બુએ પ્રેમાનંદ મહારાજ પર ટિપ્પણી કરી હતી. આ વિવાદ એટલો મોટો થઈ ગયો કે અભિનેત્રીની બહેને આગળ આવીને સ્પષ્ટતા આપવી પડી. તેણીએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે તેણીએ પ્રેમાનંદ મહારાજ નહીં પણ અનિરુદ્ધાચાર્ય વિશે વાત કરી હતી.