દારૂ ઢીંચી રસ્તામાં જે મળે તેને લૂંટી લેવા નીકળી પડયા
આર.ટી.ઓ. નજીક આતંક મચાવી ત્રણ લોકોને છરીના ઘા ઝીંકનાર 16થી 21 વર્ષના ચાર ટપોરી ઝડપાયા, પોલીસે કાયદાનુ ભાન કરાવી ભાંભરડા નખાવ્યા
રાજકોટ શહેરમાં પોલીસની ધાક ઓસરી રહી હોય તેવુ જાણવા મળી રહયુ છે. ત્યારે રવિવારની રાત્રે 9 વાગ્યાથી લઇ 10.30 વાગ્યા સુધીમાં 16 થી 21 વર્ષના ચાર ટપોરીએ નશો કરી આંતક મચાવી ત્રણ લોકોને છરી ઝીકી બે વ્યકિત પાસેથી લુંટ ચલાવ્યાની ઘટના પોલીસ મથકમાં નોંધાઇ હતી. આ ઘટનામાં બી ડિવીઝન પોલીસે ટોળકીને ઝડપી પાડી હતી.
તેમજ આ ઘટનામાં ઘવાયેલા એક વ્યકિતની હાલત ગંભીર હોવાનુ હાલ જાણવા મળી રહયુ છે. આ ટોળકીને પોલીસે પકડી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ.
વધુ વિગતો મુજબ ભગવતીપરામાં રહેતા ટ્રાફીક વોર્ડન ખુશ્બુબેન ચુડાસમાએ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસની કલમ નોંધાવી હતી. આ ઘટનામાં તેઓએ જણાવ્યુ હતુ કે તેમના માસીના દિકરા હાર્દિક ઉર્ફે હિતેશ નટુભાઇ ચૌહાણ નામના 24 વર્ષના યુવાન ભગવતીપરા પુલ નીચે આવેલી પાનની દુકાને ફાકી ખાવા ગયો ત્યારે 3 શખ્સોએ ફાકી માંગી હતી. ત્યારે હાર્દિકે ફાકી નહી આપતા તેમણે છરીનો ઘા ઝીકી દીધો હતો અને આતરડા બહાર કાઢી નાખ્યા હતા. આ બનાવમાં બેભાન અવસ્થામાં હાર્દિકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી હતી ત્યારે વધુ એક ઘટના આરટીઓ પાસે આવેલી કરણાભાઇ માલધારીની રેસ્ટોરન્ટ વાળી શેરીમાં રહેતો અને પાણીપુરીની લારી ચલાવતો દિપક અમરસિંગ નિશાદ રાત્રે પોતાના ઘરે હિસાબ લઇને જતો હતો ત્યારે આ ટોળકીએ તેમને છરી બતાડી લુંટ ચલાવી હતી.
તેમજ ત્યા નજીક માલધારી સોસાયટીમાં રહેતા હિતેશભાઇ પ્રભાતભાઇ ડાંગરને આ ટોળકીએ છરી બતાવી ધમકાવી 10000 રોકડા અને મોબાઇલ લુંટી લીધો હતો. આ ઘટનામાં હિતેશભાઇએ બુમાબુમ કરતા ત્યા ઉભેલા ટોળાએ ટોળકીના ચારેય સભ્યો પાછળ દોડી એકને ઝડપી લીધો હતો. જેમાંથી આરોપીએ એક યુવાનને છરી ઝીકી દીધી હતી. જેમાં પકડાયેલા આરોપીનુ નામ સની ઉર્ફે ચડીયો ઉધરેજીયા રહે. ભગવતીપરા હોવાનુ જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ આરોપીની પુછપરછ કરવામાં આવતા અન્ય 3 વ્યકિતના નામ પણ પોલીસની સામે આવ્યા હતા અને એલસીબી ઝોન - 1ની ટીમના પીએસઆઇ બી. વી. બોરીસાગર અને બી ડિવીઝનના પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં બી ડિવીઝનની અલગ અલગ ટીમો આરોપીને પકડવા કામે લાગી ગઇ હતી જેમાં પોલીસ ટીમના સંદીપભાઇ અવાડીયા, અનિલસિંહ, પોપટભાઇ ગમારા, રાજવીરભાઇ પટગીર અને સ્ટાફે ભગવતીપરાના સાગર શામજીભાઇ ઉધરેજીયા (ઉ.વ. 18), ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા સની કલુભાઇ ઉધરેજીયા (ઉ.વ. 18) અને લાલપરી પાસે રહેતા શિવરાજ વિનુભાઇ ઉધરેજીયા (ઉ.વ. 21) અને એક સગીરને ગણતરીની કલાકોમાં રાતોરાત પકડી લઇ કાયદાનુ ભાન કરાવ્યુ હતુ. આ ટોળકીએ પોતાની પુછપરછમાં પોતે રાત્રે નશો કર્યો હોય જેથી તેઓ રસ્તામાં જે પણ મળે તેની પાસેથી લુંટ ચલાવવા નિકળી પડી હતી.
જેમાં શિવરાજે પોતાની પાસે રહેલી છરી વડે ભગવતીપરાના હાર્દિક ઉપર ખુની હુમલો કર્યો હોવાનુ હાલ પોલીસ તપાસમાં જાણવા મળી રહયુ છે. આ ઘટનામાં ત્રણ પુખ્ત વયના આરોપીને રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવા માટે આવ્યા હતા. તેમજ એક સગીર આરોપીને જુવેનાઇલ કોર્ટમાં રજુ કર્યો હતો.