ગોંડલના ભોજપરામાં થયેલી 3.48 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
ગોંડલના ભોજપરામાં વૃંદાવનનગરમાં થયેલી ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઉકેલી નાખી ચોરી કરનાર ગોંડલના શખ્સને ઝડપી લઈ રૂા.1.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે મહિલાના ઘરમાં ચોરી થઈ હતી તેમાં તેની સહેલીનો પુત્ર જ સંડોવાયેલો હોવાનું ખુલ્યા બાદ ગ્રામ્ય એલસીબીએ તેની ધરપકડ કરી હતી. ચોરી કરેલા રૂપિયામાંથી તેણે મોબાઈલ અને બુટ સહિતની વસ્તુઓ ખરીદી મોજશોખમાં રૂપિયા ઉડાવી દીધા હોવાનું ખુલ્યું હતું.ગોંડલના ભોજપરા વૃંદાવનનગરમાં એકલા રહેતા વયોવૃધ્ધ ભાવનાબેન રમેશભાઈ દોશી ગત તા.16-5ના રોજ બે દિવસ માટે બહારગામ ગયા હોય તેમના મકાનમાં ચોરી થઈ હતી.
રોકડ અને દાગીના મળી રૂા.3.48 લાખનો મુદ્દામાલ ચોરી થયાની ફરિયાદ પોલીસ સ્ટેશને ભાવનાબેને નોંધાવી હતી. આ મામલે ગોંડલ પોલીસ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય એલસીબીએ તપાસ શરૂ કરી હોય તે દરમિયાન બનાવ સ્થળ આસપાસ જીજે.3.એલ.જે.8473 નંબરનું એકટીવા શંકાસ્પદ રીતે અવરજવર કરતું જોવા મળ્યું હોય સીસીટીવીના આધારે ગ્રામ્ય એલસીબીએ આ એકટીવા ચાલક ગોંડલના દેરાસેરીમાં રહેતા મનન ઉર્ફે મન રશ્મીકાંત કોઠારીની ધરપકડ કરી પુછપરછ કરતાં તેણે ભાવનાબેનના ઘરમાં ચોરી કર્યાનું કબુલ્યું હતું.
તેની પાસેથી મોબાઈલ તથા 1.33 લાખના દાગીના અને 18 હજારની રોકડ મળી 1.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે મનનના માતા અને ભાવનાબેન બન્ને સહેલી હોય ભાવનાબેનના ઘરમાં અવારનવાર મનન અવરજવર કરતો હોય રૂપિયા કયા રાખ્યા છે તે અંગેની જાણ મનનને હતી. ભાવનાબેન બહાર ગામ જતાં મોકો મળતાં તેણે રોકડ અને દાગીના ચોરી લીધા હતાં. જેમાં રોકડ રકમ તેણે મોજશોખ માટે વાપરી અને મોબાઈલ તેમજ બુટની ખરીદી કરી લીધી હતી.જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહિલ તથા બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઈન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, મનોજભાઈ બાયલ, ભગીરથસિંહ જાડેજા, મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઈ મકવાણા, ઘનશ્યામસિંહ જાડેજા, રજાકભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.