ઘરમાં બાકોરું પાડી રૂા.1.07 કરોડની ચોરી
અમદાવાદ ગ્રામ્યના ધોળકાના સરગવાળા ગામના મીઠાપરા ફળીમાં 1.07 કરોડની ચોરી થઇ છે. આ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા આધેડના પરિવારની સંયુક્ત માલિકીની જમીન વેચાઇ હતી. આ જમીન વેચાણના એક કરોડ અને આધેડના 7.80 લાખ મળીને કુલ રૂૂપિયા 1.07 કરોડ તેમણે એક થેલામાં મૂકીને તે થેલો અનાજ ભરવાના પીપમાં મૂક્યો હતો. આધેડ કામથી બહાર ગયા ત્યારે તેમના ઘરના રૂૂમની બારીની ઇંટો કાઢીને તસ્કરો 1.07 કરોડ રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અમદાવાદ ગ્રામ્યના ધોળકાના સરગવાળામાં રહેતા ઉદેસંગભાઇ સોલંકી ખેતીકામ કરે છે. તેમના પરિવારની સંયુક્ત માલિકીની 12 એકર જમીન આવેલી છે. આ જમીન સાવનભાઇ ચૌધરી અને તેમના ભાગીદારોને વેચાણ આપી હતી. આ જમીનના બાના પેટે ચાર દિવસ પહેલા એક કરોડ આવ્યા હતા. ઉદેસંગભાઇ એક કરોડ રૂૂપિયા એક થેલામાં ભરીને ઘરે આવ્યા હતા. એક કરોડ અને અન્ય 7.80 લાખ ભરેલો થેલો ઘઉં ભરવાના પીપમાં મૂકીને તાળું મારી દીધું હતું. બીજા દિવસે જમીનની ડીલ કરાવવામાં મધ્યસ્થી તરીકે રહેલા લાલભાઇ અને પ્રભાતભાઇ ઉર્ફે ચકાભાઇ ઘરે આવ્યા હતા. જે લોકોએ બાનાના પૈસામાં ભૂલ હોવાનું કહેતા ઉદેસંગભાઇએ પીપમાંથી 1.07 કરોડ ભરેલો થેલો બહાર કાઢ્યો હતો. આ તમામ લોકોએ ભેગા મળીને ફરી નાણાંની ગણતરી કરી હતી. નાણાંની ગણતરી કરતા અઢી લાખ વધારે હોવાથી ઉદેસંગભાઇએ તે પાછા આપી દીધા હતા. બાદમાં 1.07 કરોડ ભરેલો થેલો ફરી પીપમાં મૂકી દીધો હતો.
તેવામાં ગત તા.12ના રોજ ઉદેસંગભાઇ તેમના કુટુંબી હેમુભાઇ સાથે નવું ડાલું લેવા ધોળકા ગયા હતા. બાદમાં ઉદેસંગભાઇ ભલાડા ગામમાં ઓળખીતાને નાણાં આપવા ગયા હતા.
તે દરમિયાનમાં ભત્રીજા પ્રકાશભાઇએ ફોન કરીને ચોરીની જાણ કરી હતી. ઉદેસંગભાઇએ ઘરે જઇને તપાસ કરતા ચોરી કરનારા શખ્સોએ ઘરના રૂૂમની બારીની ઇંટો કાઢીને પીપનું તાળું તોડીને 1.07 કરોડ ભરેલો થેલો ચોરી કર્યો હતો. આ મામલે પોલીસને જાણ કરાતા કોઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નાણાંની ફરીથી ગણતરી કરી તે દરમિયાન રેકી થઇ હોઇ શકે
પોલીસે પ્રાથમિક તપાસ કરતા ઉદેસંગભાઇએ 1.07 કરોડ ભરેલો થેલો પીપમાં મૂકીને તાળું માર્યું હતું. બીજા દિવસે લાલભાઇ અને પ્રભાતભાઇ ઉર્ફે ચકાભાઇ ઘરે આવ્યા હતા. જે લોકોએ બાનાના પૈસામાં ભૂલ હોવાનું કહીને ફરી નાણાંની ગણતરી કરાવી હતી. નાણાંની ગણતરી ચાલી રહી હતી ત્યારે કોઇએ રેકી કરીને આ ચોરી કરી હોવાનું પોલીસ અનુમાન લગાવીને તપાસ કરી રહી છે.
સંબંધી, પરિવારજનો અને ગામના શકમંદોની તપાસ
ફરિયાદી તેના ભત્રીજા સહિતના પરિવારજનો સાથે રહે છે. બનાવ વખતે તેમનો ભત્રીજો ઘરે હાજર હતો. જેથી પરિવારજનો, ગામના લોકો, ડીલ કરાવવામાં વચ્ચે રહેનારા લોકોથી માંડીને તમામ શકમંદોની પૂછપરછ કરીને ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. - પ્રકાશ પ્રજાપતિ (ડીવાયએસપી, અમદાવાદ ગ્રામ્ય)