કંડલા બંદરે આવતા જહાજોમાંથી વિદેશી લાકડા ચોરી બારોબાર વેંચી દેવાનો પર્દાફાશ
બજારમાં વેંચવા નીકળેલા શખ્સને 80 હજારના લાકડા સાથે ઝડપી પાડ્યો
કંડલાની દરિયાઇ ખાડીમાં આવતાં જહાજોમાંથી ગમે તે રીતે વિદેશી લાકડાં નીચે ભારી નાના હોડકા મારફતે દરિયાકિનારે લાવી બજારમાં વેચવા નીકળેલા શખ્સને એલસીબીએ પકડી પાડી ટ્રકમાંથી રૂૂા.80,500નાં વિદેશી લાકડાં જપ્ત કર્યાં હતાં.
વરસાણા ઇસ્પાત કંપની પાછળ મીઠાના અગર બાજુથી આવતા કાચા માર્ગ ઉપર એલસીબીની એક ટીમે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી હતી, તેવામાં કાચા માર્ગ પરથી ડમ્પર નંબર જીજે-12-બીવી-6571વાળું આવતાં તેને રોકાવી તેના ચાલક ભચાઉના સલીમ રમજાન કુંભારને પકડી પાડવામાં આવ્યો હતો. ડમ્પરમાં મળેલા નાના-મોટા જુદા-જુદા આકારનાં લાકડાં અંગે આધાર-પુરાવા માગતાં આ શખ્સ આપી શક્યો ન હતો. દરમ્યાન તેણે પોતાના ભત્રીજા સુલ્તાન હાસમ કુંભાર (રહે. ભચાઉ)ના કહેવાથી દરિયાકિનારેથી લાકડાં ભરી એક ટિમ્બરમાં ખાલી કરવા જતો હોવાનું જણાવ્યું હતું.
કંડલાની ખાડીમાં વિદેશથી આવતાં જહાજોમાંથી ગમે તે રીતે લાકડાં નીચે પાડી દઇ આ શખ્સો દરિયામાં તણાતાં વિદેશથી લાકડાં નાના હોડકા મારફતે દરિયાકિનારે લઇ આવતા, જ્યાં તેનો જથ્થો એકત્ર કરી બાદમાં આવી રીતે વાહનોમાં ભરી લાકડાંના બેન્સા, ટિમ્બરોમાં બારોબાર સસ્તા ભાવમાં વેચી દેતા હતા. સુલ્તાનને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે તેમજ ચોરીનો માલ ક્યા ટિમ્બરમાં જવાનો હતો, તે હજુ બહાર આવ્યું નથી.