પરિણીતાએ મારકૂટ કરતા પતિ વિરુદ્ધ ત્રણ વર્ષમાં ચાર વાર ફરિયાદ કરી, પતિ સુધરી જવાનું કહીં મનાવી લેતો!
રાજકોટ શહેરમાં રૈયાધારે સ્લમ ક્વાર્ટરમાં માવતર ધરાવતી પરિણીતાએ તેમના પતિ વિરુદ્ધ ત્રાસ અને મારકુટ ર્ક્યાની ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં આક્ષેપ ર્ક્યો છે કે, તેઓ પતિને મિત્રો સાથે દારૂ પીવા જવાની ના પડતા બે દિવસ પહેલા મારકુટ કરી હતી અને ઘરમાંથી કાઢી મુક્તા તેણીના માતા તેમને ઘરે લઇ ગયા હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગતો મુજબ, હાલ રૈયાધારે સ્લમ ક્વાર્ટરમાં રહેતા અને શાપર-વેરાવળમાં શાંતીધામ ગેઇટમાં સાસરુ ધરાવતી જાનવીબેન અતુલભાઇ સોંદરવા નામની પરિણીતાએ તેમના પતિ અતુલ ભુપતભાઇ સોંદરવા સામે ફરિયાદ નોંધાવી છે. જાનવીબેને ફરિયાદમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, તેમના પિતા હૈયાત નથી તેમજ છ વર્ષ પહેલા અતુલસાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન થકી તેમને સંતાનમાં એક દીકરી અને એક પુત્ર છે. પતિ છુટક કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જાનવીબેને વધુ વિગત આપતા જણાવ્યુ હતુ કે, ગઇ તા.16ના રોજ સાંજના સમયે પતિના મિત્રો ઘરે આવ્યા હતા અને તેમને દારૂ પીવા લઇ જતા હતા તે સમયે તેમને મિત્રો સાથે જવાની ના પડતા પતિ ઉશ્કેરાઇ ગયા હતા અને માર માર્યો હતો.
તે સમયે મિત્રોએ વચ્ચે પડી વધુ મારપીટથી છોડાવી હતી. ત્યારે પતિએ ઘરમાંથી નીકળી જવા અને સંતાનોને પણ સાથે લઇ જવા કહ્યું હતુ. ત્યાર બાદ સમગ્ર હકિક્ત રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતા માતાને કરતા માતા શાપર-વેરાવળ પહોંચ્યા હતા અને જાનવીબેનને તેમના સંતાનો સાથે લઇને રાજકોટ આવી ગયા હતા. જાનવીબેને આક્ષેપો કરતા જણાવ્યું હતુ કે, તેમણે તેમના પતિ વિરુદ્ધ છેલ્લા ત્રણ વર્ષમાં ચાર વાર ફરિયાદ કરી છે. આ ફરિયાદ સમયે પોલીસ જ્યારે પતિને બોલાવે ત્યારે પોતે સુધરી જવાનું કહીં સમાધાન કરી લેતો હતો. આમ છતા ન સુુધરતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.