થોરાળામાં દારૂ ઢીંચી મધરાત્રે દરવાજો ખખડાવતા નસેડીને પત્ની અને પુત્રોએ લમધાર્યો
શક્તિ કોલોનીમાં મહિલાને બે પુત્રએ પાઈપ વડે માર મારતાં સારવારમાં ખસેડાયા
શહેરમાં થોરાળા વિસ્તારમાં મધરાત્રે દારૂના નશામાં દરવાજો ખખડાવતાં નસેડી યુવકને પત્ની અને પુત્રોએ માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, થોરાળા વિસ્તારમાં રહેતો અનિલભાઈ પરબતભાઈ મોરવાડીયા નામનો 40 વર્ષનો યુવાન રાત્રીનાં અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે પત્ની મનીષાબેન, પુત્ર પ્રભાત અને નિલેશે ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં દારૂના નશામાં દરવાજો ખખડાવતાં યુવકને પત્ની અને પુત્રએ માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં શક્તિ કોલોનીમાં રહેતા યાસ્મીનબેન સુલતાનભાઈ કોચલીયા નામના 42 વર્ષના મહિલા રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઘરે હતાં ત્યારે પુત્ર સલમાન અને સોયબે પાઈપ વડે માર માર્યો હતો. મહિલાને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.