રાજકોટના કાકા-ભત્રીજાએ દાન આપવાના નામે સમાજના ટ્રસ્ટીને શીશામાં ઉતાર્યા
અકસ્માત થયાનું નાટક કરી ઓનલાઈન રૂપિયા 27900નો ચૂનો ચોપડ્યો: આર્થિક રીતે તૂટી ગયેલા કાકા-ભત્રીજાએ છેતરપિંડીને અંજામ આપ્યો
રાજકોટમાં આવેલ વિકાસ વર્તુળ ટ્રસ્ટમાં દાન આપવના નામે ટ્રસ્ટી સાથે કાકા-ભત્રીજાએ રૂા. 28 હજારની છેતરપીંડી કરી હતી. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાકા-ભત્રીજાની ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ હરિ ધવા રોડ પરની રેમ્બો રેસીડેન્સી શેરી નં. 1માં રહેતા અને રાજકોટ ખાતે આવેલ સમસ્ત કાકડિયા પરિવાર સંચાલિત વિકાસ વર્તુળ ટ્રસ્ટમાં છેલ્લા પાંચ વર્ષથી ટ્રસ્ટી ભરતભાઈ રણછોડભાઈ કાકડિયા (ઉ.વ.52)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના રમેશ અને તેના ભત્રીજા ભૌમિકનું નામ આપ્યું હતું. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી છે. ભરતભાઇએ પોલીસને જણાવ્યું કે તે, એકાઉન્ટનું કામકાજ કરે છે. ગઈ તા. 15 માર્ચના રોજ તેને કોલ આવ્યો હતો.
જેમાં સામાવાળાએ કહ્યું કે હું સુરતથી રમેશભાઈ વાત કરું છું. આપણે તા. 20-3- 2024ના રોજ સુરાપુરા દાદાનો જે પ્રસંગ છે તેમાં મારે અનુદાન આપવું છે. જે હું ચેકથી આપવા માગુ છું. પ્રસંગના દિવસે મારો પુત્ર ત્યાં આવશે, ત્યાં આવી તમને ચેક આપશે, જે તમે સ્વીકારી લેજો. જેથી તેણે હા પાડી હતી. ત્યારપછી તા. 20-3-2024ના રોજ ફરીથી રમેશભાઈ નામ આપનારે કોલ કરી કહ્યું કે મારો પુત્ર ત્યાં પ્રસંગમાં આવવા નીકળ્યો હતો. પરંતુ તેને લીંબડી પાસે અકસ્માત નડ્યો છે. જેથી તમે તેને બનતી મદદ કરજો. જેની સામે તેણે કહ્યું કે તમારા પુત્રને કહો કે મને ફોન કરે. થોડીવાર બાદ રમેશભાઈના પુત્રનો સ્વાંગ ધારણ કરનારા ભૌમિકે વોટ્સએપ કોલ કરી કહ્યું કે અમારો અકસ્માત થયો છે. જેમાં દવાખાનાના ફોટા મોકલુ છું.
થોડીવાર પછી એક વ્યક્તિ દવાખાનાના બેડ પર સૂતી હોય તેવો ફોટો મોકલી વિશ્વાસ અપાવ્યો હતો. જેથી તેણે રમેશભાઈના કહેવાતા પુત્ર ભૌમિકને કોલ કરી હું શું મદદ કરી શકું તમ પૂછતા તેણે કહ્યું કે મારા મિત્રને લીંબડીથી રાજકોટ હોસ્પિટલમાં રિફર કરવાનો છે, તો તમે હોસ્પિટલના બીલની ચૂકવણીમાં મદદ કરો. થોડીવાર બાદ રૂૂા. 27900નું બીલ મોકલ્યું હતું. ત્યાર પછી ભૌમિકે પોતાને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતાં આવડતું ન હોવાથી મિત્રના મોબાઈલમાંથી તે રકમ ટ્રાન્સફર કરાવી હતી. બાદમાં રમેશભાઈના કહેવાતા પુત્ર ભૌમિકનો કોઈ કોલ આવ્યો ન હતો. તપાસ કરતાં રમેશભાઈ કાકડિયા નામની કોઈ વ્યક્તિ નહીં હોવાની માહિતી મળી હતી.
આખરે પોતે છેતરાઈ ગયાનો અહેસાસ થતાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ નોંધાવી હતી.આ મામલે ભક્તિનગર પોલીસે ભરતભાઈ રણછોડભાઈ કાકડિયાની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ કરી સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ પંડિત દિનદયાળ આવાસ યોજનાના ક્વાર્ટર, બ્લોક નં. 204માં રહેતા રમેશ મોહનભાઈ રૈયાણી (ઉ.વ.48) અને તેના ભત્રીજા મૂળ ગોવિંદરત્ન એપાર્ટમેન્ટ, મવડી બાયપાસ રાજકોટ અને હાલ રાધે રેસીડેન્સી એપાર્ટમેન્ટ, ડી-101, ભક્તિનંદન ચોક, મોટા વરાછા સુરત રહેતા ભૌમિક રસિકભાઈ રૈયાણી (ઉ.વ.23) ની ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું કે, કાકડિયા પરિવારના સૂરાપૂરા દાદાનો મઢ બનાવવાનો હોય જે માટેની પત્રિકા છપાવી હોય તેમાંથી ભરતભાઈનો નંબર મેળવી આર્થિક રીતે તૂટી ગયેલા રમેશે છેતરપિંડીનો પ્લાન બનાવ્યો જેમાં તેના ભત્રીજા ભૌમિકે પણ ભૂમિકા ભજવી હતી.