બોગસ લાયસન્સ અને હથિયાર ખરીદી કૌભાંડનો રેલો જામનગર સુધી પહોંચ્યો
તાજેતરમાં સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે સુરેન્દ્રનગરમાંથી નાગાલેન્ડ- મણીપુરમાં વસવાટના ખોટા દસ્તાવેજોના આધારે બોગસ લાયસન્સ મેળવી મોટા પ્રમાણમાં હથિયારો ખરીદવાનો પર્દાફાશ કર્યો હતો.જેનો રેલો જામનગર સુધી પહોંચ્યો છે. જેની તપાસમાં જામનગરના બે વોન્ટેડ શખ્સો સહિત ત્રણ શખ્સોએ પણ બોગસ લાયસન્સના આધારે હથિયારો ખરીદ્યા હોવાનું એસ.ઓ.જી. અને એ.ટી.એસ.ની તપાસમાં ખૂલતાં સનસનાટી મચી ગઈ છે.
નાગાલેન્ડ- મણીપુર રાજ્યમાંથી હથિયારના બનાવટી લાયસન્સ ઈસ્યુ કરવાના કેસમાં પકડાયેલા મુખ્ય આરોપીઓની તપાસ કરી રહેલી સુરેન્દ્રનગર એસ.ઓ.જી. ની ટિમ અને એ.ટી. એસ. ની ટીમના અધિકારીઓની તપાસમાં જાણવા મળ્યું હતું કે, જામનગર શહેરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના ચિટીંગના ગુન્હામાં સંડોવાયેલા વોન્ટેડ શખ્સો વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા અને સત્યેન્દ્રસિંહ યોગરાજસિંહ જાડેજા ઉપરાંત ખફી જહાંગીર યુસુફે પણ બોગસ હથિયાર લાયસન્સની મદદથી હથિયાર મેળવી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણમાં એ.ટી.એસે. સુરતમાં ગુન્હો નોંધ્યા બાદ જામનગર એસ.ઓ.જી. ના પી.આઈ. બી.એન. ચૌધરી અને તેઓની ટિમ તુરતજ હરકતમાં આવી ગઈ છે, અને સૌ પ્રથમ આ મામલે જાણવા જોગ એન્ટ્રી કરી છે, અને ઉપરોક્ત હથિયાર તેમજ બોગસ લાયસન્સ પ્રકરણમાં ઊંડાણ પૂર્વક ની તપાસ શરૂૂ કરી છે.