ટ્રાન્સપોર્ટના વેરહાઉસમાં થયેલી 8.39 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પગાર ઓછો પડતા કર્મચારીએ જ હાથફેરો કર્યો’તો
માધાપર ચોકડી પાસે વોરા સોસાયટી સામે આવેલા પેટ્રોલ પમ્પ નજીક ટ્રાન્સપોર્ટરની ઓફિસમાંથી રૂૂા.8.39 લાખની ચોરી થઈ હતી.જોકે ગાંધીગ્રામ પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ઓફિસમાં જ કામ કરતાં કમલેશ ઓમપ્રકાશ પ્રજાપતિ (રહે.મનહરપુર-1,નવી કોર્ટ બિલ્ડીંગ સામે)ને ઝડપી લઇ તમામ મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.મળતી વિગતો મુજબ,ગઈકાલે માધાપર ચોકડી પાસે શેઠનગરની બાજુમાં વર્ધમાન કોમ્પલેક્ષમાં રહેતાં પ્રકાશ ચંદુભાઈ જોગીયા (ઉ.વ.38)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે જય મુરલીધર નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં છેલ્લા છ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે.તેની પેઢીમાં એમેઝોનના તમામ પાર્સલ આવે છે.
જેની ડિલીવરીનું કામ કરવામાં આવે છે. રાત્રે 8 વાગ્યે તે ઓફિસેથી ઘરે જવા રવાના થયો હતો. રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ઓફિસમાં કામ કરતાં સુપરવાઈઝર દિપભાઈએ મેઈન શટરને એક બાજુ લોક કરી તેનો ફોટો વોટસએપ ગ્રુપમાં શેર કર્યો હતો.આજે સવારે દસેક વાગ્યે તે ઘરેથી ઓફિસે જવા માટે નીકળી ગયા હતા ત્યારે રસ્તામાં ઓફિસના કર્મચારી જીતુભાઈએ કોલ કરી જણાવ્યું કે બેન્ક વાળા રૂૂપિયા લેવા આવ્યા છે પરંતુ તિજોરીમાં રૂૂપિયા નથી.આ વાત સાંભળી તત્કાળ ઓફિસે જઈ જોતાં તિજોરીમાં રાખેલા રૂૂા.8.39 લાખ ગાયબ હતા.તિજોરીની ચાવી કાઉન્ટરના ખાનામાં રાખે છે. ચાવી અને પાસવર્ડની મદદથી તિજોરી ખુલે છે. આ સ્થિતિમાં જાણભેદુની સંડોવણીની શંકાએ ગાંધીગ્રામ પોલીસના પીઆઇ કરપડા,પીએસઆઈ એસ.એલ.ગોહિલ,મસરીભાઈ ભેટારીયા,સબીરખાન મલેક, પ્રદીપભાઈ ડાંગર,અમીનભાઈ ભલુર સહિતના સ્ટાફે
પેઢીમાં લાગેલા સીસીટીવી કેમેરા જોતા પેઢીમાં જ કામ કરતાં કમલેશે ચોરી કર્યાનું સ્પષ્ટ બનતાં તેને સકંજામાં લીધો હતો.તે મોઢું ઢાંકી ચોરી કરવા આવ્યો હતો.પૈસાની જરૂૂર હોવાથી ચોરી કર્યાનું બહાર આવ્યું છે.
પોલીસે તમામ મુદામાલ રિકવર કર્યો હતો.પોલીસ સૂત્રોનથી જાણવા મળ્યું હતું કે,કમલેશને પગાર ઓછો પડતો હોય અને કંપની પગાર વધારી શકે એમ ન હોય બે દિવસ પહેલા જ નોકરી પરથી છૂટો કરવામાં આવ્યો હતો.આ કંપનીમાં કુલ 70 લોકો કામ કરે છે.જેમાંથી 20 લોકો પાસે જ તિજોરી આઈડી પાસવર્ડ હતો.તેમજ વેરહાઉસની ચાવી પણ ત્યાં જ રહેતી હતી.આરોપી છૂટો થયા બાદ ચોરી કરવાનો વિચાર આવ્યો હતો અને રાત્રે વેરહાઉસનું એક શટર ઊંચું કરી તેજોરીમાંથી ચોરી હતી.