ભગવતીપરાની 18.95 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
સુરેન્દ્રનગરના દેવીપૂજક શખ્સને ઝડપી લેતી પ્ર.નગર પોલીસ, અન્ય બે સાગરિતોની શોધખોળ, રોકડ અને દાગીના સહિત 9.58 લાખનો મુદ્દામાલ કબજે
ભગવતીપરામા વેપારીનાં ઘરે થયેલી રૂ. 18.95 લાખની ચોરીનો ભેદ પ્રનગર પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ચોરીમા સંડોવાયેલા સુરેન્દ્રનગરનાં દેવીપુજક શખસને રોકડ અને દાગીનાં સહીત રૂ. 9.58 લાખનાં મુદામાલ સાથે ઝડપી પાડયો હતો. આ ચોરીમા તેની સાથે સંડોવાયેલા સુરેન્દ્રનગરનાં અન્ય બે શખસોની શોધખોળ શરુ કરવામા આવી છે. સુરેન્દ્રનગરથી આ ત્રીપુટી રાજકોટમા ચોરી કરવા આવી હોવાનુ જાણવા મળ્યુ છે ચોરી બાદ ત્રીપુટીએ દાગીનાં અને રોકડની ભાગ બટાઇ કરી લીધી હતી.
મળતી વિગત મુજબ રાજકોટનાં ભગવતીપરા શેરી નં.1પમા રહેતા લાકડાનો ડેલો અને સોપારીનો વ્યવસાય કરતા વેપારી મુકેશભાઇ નાનુભાઇ ચૌહાણનાં ઘરે તસ્કરો ત્રાટકયા હતા. મુકેશભાઇ કામ અર્થે બહારગામ ગયા હતા. જયારે તેમનો પુત્ર દર્શન અને પત્ની લીલાબેન સહીતનાં પરીવારજનો થોરાળા ખાતે રહેતા લીલાબેનના ભાઇ મનુભાઇ ત્રિકમભાઇ કોશીયાના ઘરે કોઇ કામસર મકાન બંધ કરીને ગયા હતા. ત્યારે તેમનાં બંધ મકાનને તસ્કરોએ નીશાન બનાવ્યુ હતુ. બંધ મકાનમાં પાછળના ભાગે વંડી કુદી અંદર ઘુસેલા તસ્કરોએ મકાનની ગ્રીલ અને તાળુ તોડી અંદર ધુસી તીજોરીમા રાખેલા 9.60 લાખ રોકડા અને8.95 લાખના સોનાના અને 40 હજારના ચાંદીનાં દાગીનાં સહીત આશરે 18.95 લાખની મતા ચોરી ફરાર થઇ ગયા હતા. એક રાત બંધ રહેલા મકાનમા તસ્કરોએ ચોરી કરી હતી. વહેલી સવારે 3 વાગ્યે ધુસેલા તસ્કરો 3.20 ચોરી કરી નીકળી ગયા હતા. આ અંગે આજે સવારે પરીવારજનો પરત આવ્યા ત્યારે ચોરીની જાણ થતા પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસ દરમ્યાન ચોરી કરનાર 3 શખસો સીસીટીવી કેદ થઇ ગયા હતા. જેનાં આધારે આ ત્રણેયનુ પગેરુ દબાવવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચ, એલસીબી અને બી ડીવીઝન પોલીસની ટીમ તસ્કરોને પકડવા તપાસ કરી રહી હતી. ત્યારે પ્રનગર પોલીસ મથકની ટીમને આ ચોરીનો ભેદ ઉકેલવામા સફળતા મળી હતી. પોલીસ ટીમ સિવીલ હોસ્પીટલમા વધતા જતા ચોરીનાં બનાવોનાં પગલે ચેકીંગમા હતી. ત્યારે શંકાસ્પદ રીક્ષા સાથે એક શખસ મળી આવ્યો હતો પુછપરછમા તેનુ નામ ભોલો સરવૈયા હોવાનુ જણાવ્યુ હતુ. સુરેન્દ્રનગરનો ભોલા સરવૈયા પાસેથી સોનાનાં દાગીનાં અને રોકડ સહીત 9.પ8 લાખનો મુદામાલ મળી આવ્યો હતો. જેની પુછપરછમા તેણે ભગવતીપરામા તેના બે સાગ્રીતો સાથે મળી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પ્રનગર પોલીસ મથકનાં પીઆઇ વી. વી. વસાવા અને તેમની ટીમે આ મામલે ઉચ્ચ પોલીસ અધીકારીઓને જાણ કરી ચોરીનો ભેદ ઉકેલાય જતા આ અંગે જરુરી કાર્યવાહી કરી હતી.