ઘોર કળિયુગ, પુત્ર-પુત્રવધૂએ 65 વર્ષની માતાને એક મહિનો ઘરમાં ગોંધી રાખ્યા
સુરતની એક સોસાયટીમાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે. હીરાના કારખાનામાં નોકરી કરતા પુત્ર અને પુત્રવધૂએ તેમની 65 વર્ષીય વૃદ્ધ માતાને ઘરમાં તરછોડીને, એક મહિનાથી વધુ સમય માટે ઘરના પેસેજમાં લોક કરી દીધા હતા. જેના કારણે વૃદ્ધાની હાલત ખૂબ જ ગંભીર બની ગઈ હતી. લગભગ એક મહિના પહેલા પુત્રએ તેની માતાને ઘરના પેસેજમાં બંધ કરીને ક્યાંક જતો રહ્યો હતો. પુત્રવધૂ પણ સાથે નહોતી. આસપાસના દયાળુ અને જાગૃત પડોશીઓ સમયસર તેમને જમવાનું પહોંચાડતા હતા, જેના કારણે વૃદ્ધા જીવિત રહી શક્યા હતા.
વૃદ્ધાને એ પણ ખબર નહોતી કે તેમનો પુત્ર ક્યાં રહે છે. છેલ્લા એક મહિનાથી પુત્રએ તેમની કોઈ ખબર પણ લીધી નહોતી.વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરોને આ અંગે જાણ થતાં તેઓ તરત જ સ્થળ પર પહોંચ્યા હતા. ટ્રસ્ટના સંચાલક ચેતનાબેન સાવલિયાએ જણાવ્યું કે, અમને ફોન આવ્યો કે એક બહેનને દીકરા-વહુએ પૂરી રાખ્યા છે. ત્યાં જઈને જોયું તો વૃદ્ધાને કેદીઓની જેમ જાણે એક જેલ જેવું બનાવીને પૂરી રાખવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હતી, તેથી ટ્રસ્ટના કાર્યકરોએ તાત્કાલિક ઉત્રાણ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને વૃદ્ધાને લોક કરેલા ઘરમાંથી બહાર કાઢી.
પોલીસે પુત્રનો સંપર્ક કરીને તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. પોલીસને શંકા છે કે ઘર લોન પર હોવાથી આર્થિક તકલીફ કે અન્ય કોઈ કારણોસર તેણે માતાને તરછોડી દીધા હશે. વૃદ્ધાએ પોલીસ અને ટ્રસ્ટ સમક્ષ પણ પોતાના દીકરા-વહુનો પક્ષ લેતા કહ્યું કે તેઓ તેમને સારી રીતે જ રાખે છે, જોકે જમવાનું સવારે એકવાર જ આપે છે. માનવતાના ધોરણે, વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટે આ વૃદ્ધાને સુરક્ષિત આશ્રય આપવાનો નિર્ણય કર્યો હતો અને તેમને વૃદ્ધાશ્રમ લઈ જવામાં આવ્યા હતો. પુત્ર દ્વારા માતાને તરછોડવાની આ ઘટનાએ સમાજમાં માતા-પિતા પ્રત્યેની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.