દારૂ પીવાના પૈસા ન આપતા પુત્રએ ધોકાના ઘા ફટકારી માતાનું ઢીમ ઢાળી દીધું
મોરબીના રફાળેશ્ર્વર ગામે દારૂ પીવાના પૈસા ન આપનાર માતાને પુત્રએ ધોકાના ઘા ફટકારી હત્યા નિપજાવતાં ચકચાર મચી જવા પામી છે. અઠવાડિયા પહેલા બનેલા બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસે હત્યારા પુત્ર સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી તાલુકાના રફાળેશ્ર્વર ગામે આવેલા આંબેડકરનગર શેરી નં.4માં રહેતા જસુબેન કરશનભાઈ સોલંકી (ઉ.55) નામના પ્રૌઢા ગત તા.28-7નાં રોજ પોતાના ઘરે હતાં ત્યારે તેના પુત્ર મનસુખે આવી દારૂ પીવાના પૈસાની માંગણી કરી હતી. જેથી માતાએ પૈસા આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પુત્રએ માતા ઉપર ધોકા વડે હુમલો કરતાં જસુબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તમેનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે રાજકોટ દોડી આવી જરૂરી કાર્યવાહી કરી હત્યારા પુત્ર મનસુખ કરશનભાઈ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક જશુબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં હત્યારો પુત્ર મનસુખ વચેટ હતો. પુત્રને દારૂ પીલાની કુટેવ હોય અવારનવાર દારૂના પૈસા માંગી ઘરમાં ઝઘડા કરતો હોવાનું પણ તેના પરિવારજનોએ જણાવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.