રાજકોટના યુવકને લૂંટી લેનાર લૂંટેરી દુલ્હને 24 વર્ષની ઉંમરે 15 લગ્ન કર્યા!
લગ્ન માટે યુવતી સહિતની ટોળકી બોગસ ડોકયુમેન્ટ આપતી, યુવતી સહિત ચારેય પાંચ દિવસના રિમાન્ડ પર
ગેંગ પાસે પૈસા પરત માગે તો બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપતી, ટોળકીએ કુલ 52 લાખની રકમ પડાવી
ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં યુવકો સાથે લગ્ન કરી પૈસા પડાવનાર લુંટેરી દુલ્હન ટોળકીને મહેસાણા પોલીસે ઝડપી લીધી છે. આ ગેંગમાં યવુતી સહીત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગેંગમાં ઝડપાયેલી યુવતી ચાંદનીએ 24 વર્ષની ઉંમરે 15 લગ્ન કર્યાનું તપાસમાં ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ગેંગમાં સામેલ અન્ય યુવતીએ ચાર લગ્ન કર્યા છે. તેમજ આ ગેંગ દ્વારા કુલ 52 લાખ રૂપીયા પડાવ્યા હોવાનું સામે આવે છે.
મહેસાણા પોલીસે તપાસ કરતા આ ટોળકીએ વાવ-થરાદ, સાંબરકાંઠા, અમદાવાદ, પાટણ, રાજકોટ, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, મોરબી અને ગાંધીનગરમાં યુવકો સાથે લગ્ન કર્યા હતા. હાલ આ ટોળકી પાંચ દિવસના રીમાન્ડ પર છે અને સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.
લગ્ન માટે ક્ધયાની તલાશ કરતા યુવકોને આ ટોળકી શોધી કાઢતી હતી. ત્યારબાદ ચોક્કસ રકમ લઈ યુવતીના તેની સાથે લગ્ન કરવામાં આવતા. લગ્નના થોડા જ દિવસોમાં યુવતી ત્યાંથી રફુચક્કર થઈ જતી. યુવક દ્વારા જ્યારે આ મામલે ફોન કરવામાં આવે અને પૈસા પરત માગવામાં આવે તો દુષ્કર્મ કેસમાં ફીટ કરવાની ધમકી આપતા.
આ ગેંગનો ભોગ બનેલા યુવકોમાં બહુચરાજીનાં આદીવાડાનો એક યુવાન પણ સામેલ છે. જેની ફરિયાદનાં આધારે પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે.આદિવાડાના મહેશ (નામ બદલેલ છે)નામના યુવકના 12 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદની ચાંદની રમેશભાઇ રાઠોડ સાથે થયા હતા. લગ્ન પહેલાં અને લગ્ન વખતે આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂૂપિયા પાંચ લાખ, સોના-ચાંદીના દાગીના, કપડાં અને મોબાઇલ ફોન મેળવ્યા હતા.
લગ્નના માત્ર ચાર દિવસ બાદ જ ચાંદનીના કથિત બનેવી રાજુભાઇ ઠક્કર આદીવાડા ગામે આવ્યા અને ચાંદનીના પિતા બીમાર હોવાનું કહી તેણીને પોતાની સાથે લઇ ગયા હતા. ત્યાર બાદ ચાંદની ઘરે પરત ન આવતા અને મોબાઈલ બંધ આવતા ફરિયાદીને શંકા ગઈ.તપાસ કરતાં ફરિયાદીને જાણવા મળ્યું કે, ચાંદની રાઠોડ અને રાજુભાઈ ઠક્કર (જેણે બનેવીની ખોટી ઓળખ આપી હતી) હકીકતમાં દલાલ હતા. ચાંદનીની માતા સવિતાબેન અને અન્ય એક આરોપી રશ્મિકા પણ આ કૌભાંડમાં સામેલ હતા આ ચારેય ભેગા મળીને ફરિયાદી સાથે ઠગાઈ કરી હતી.
જ્યારે ફરિયાદીએ છૂટાછેડા લેવા માટે દલાલ રાજુભાઈનો સંપર્ક કર્યો, ત્યારે તેઓએ ફરિયાદીને અમદાવાદના નરોડા બોલાવ્યા. ત્યાં ઉપરોક્ત ચારેય આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ડરાવી તેમની પાસેથી બીજા રૂૂપિયા 50 હજાર પડાવી લીધા. આમ, ફરિયાદી સાથે કુલ રૂૂપિયા 5 લાખ 57 હજારની ઠગાઈ થઈ હતી.
મહેસાણા એસપી હિમાંશુ સોલંકી એ જણાવ્યું કે, આરોપી ચાંદનીએ કુલ 15 લગ્ન કર્યા છે.દરેક જગ્યાથી અલગ અલગ રકમ લીધી છે ત્યારબાદ ત્યાંથી ફરાર થઇ જાય છે.દરેક લગ્ન દરમિયાન આ ટોળકીએ પોતાના આધારકાર્ડ એલસી પણ નકલી આપતા હતા.આ અંગે બનાવતી દસ્તાવેજનો ઉપયોગ કરવા અંગેની પણ કલમ નો ઉમેરો કરવામાં આવ્યો છે.આટલા લગ્ન દરમિયાન આ ટોળકી એ અંદાજે 52 લાખ અને અન્ય દાગીના પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.ચારે આરોપી પાંચ દિવસના રિમાન્ડ ઉપર છે અને આ આરોપીઓએ વાવ, થરાદ, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, રાજકોટ, અમદાવાદ શહેર, ગીર, સોમનાથ, ખેડા, મહેસાણા, મોરબી, ગાંધીનગર આ તમામ જિલ્લાઓમાં લગ્ન કર્યા હતા.
મહેસાણા પોલીસે ઝડપેલા આરોપીઓના નામ
* ચાંદની રમેશભાઈ રાઠોડ
* સુશિલા ઉર્ફે સવિતાબેન વા/ઓ રમેશભાઈ રાઠોડ
* રાજુભાઈ ઠકકર
* રશ્મિકાબેન સચિનભાઈ પંચાલ
ચાંદનીએ કરેલા 15 લગ્નની યાદી
* વાવ-થરાદના દિયોદર તાલુકાના લુન્દ્રા ગામના યુવક પાસેથી 5 લાખ લઈ લગ્ન કર્યા.
* સાબરકાંઠાના ઈડર તાલુકાના અરોડા ગામના યુવક પાસેથી રૂૂ. 2.28 લાખ લઈ લગ્ન કર્યા.
* પાટણના સમી તાલુકાના દુદખા ગામના યુવક પાસેથી રૂૂ. 2.75 લાખ મેળવી લગ્ન કર્યા.
* અમદાવાદના બાવળા ગામના યુવક પાસેથી રૂૂ. 1.70 લાખ લઈ લગ્ન કર્યા
* રાજકોટ શહેર બંસીધર પાર્ક રૈયાધાર રામાપીર ચોકડી ખાતે રહેતા યુવક પાસેથી 2.30 લાખ લઈ લગ્ન કર્યા.
* અમદાવાદ શહેર જડેશ્વર પાર્ક સોસાયટી વસ્ત્રાલ ખાતે રહેતા યુવક પાસેથી 3 લાખ રૂૂપિયા લઈ લગ્ન કર્યા બાદમાં છૂટાછેડા લીધેલા છે.
* સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના રામપુર ગામના યુવક પાસેથી 3.25 લાખ લઈ લગ્ન કર્યા.
* ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ગામના યુવક પાસેથી રૂૂ. 2.30 લાખ લઈ લગ્ન કર્યા.
* ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના તેરનાલ ગામના યુવક પાસેથી રૂૂ. 4.50 લાખ લઈ લગ્ન કર્યા.
* મહેસાણાના બહુચરાજી તાલુકાના આદીવાડા ગામના યુવક પાસેથી રૂૂ. 5 લાખ લઈ લગ્ન કર્યા.
* અમદાવાદના નરોડામાં રહેતા યુવક પાસેથી રૂૂ. 1.70 લાખ લઈ લગ્ન કર્યા.
* પાટણના યુવક પાસેથી રૂૂ. 2.50 લાખ લઈ લગ્ન કર્યા.
* મોરબી શહેરમાં રહેતા યુવક 6 પાસેથી રૂૂ. 3 લાખ લઈ લગ્ન કર્યા.
* ગાંધીનગર સેક્ટર-26માં રહેતા યુવક પાસેથી રૂૂ. 4.50 લાખ લઈ લગ્ન કર્યા.
* ગાંધીનગરના દહેગામમાં રહેતા યુવક પાસેથી રૂૂ. 3 લાખ લઈ લગ્ન કર્યા.