ઘરેણા હોવાનુ કહેવુ વૃદ્ધાને ભારે પડ્યું, ચાર ભાઇઓએ હત્યા કરી લૂંટ ચલાવી
તળાજાના મથાવડા ગામે એકલા રહેતા વૃદ્ધાની કરપીણ હત્યા કરી ઘરેણાં લૂંટી લેવાના ચકચારી બનાવના 9 દિવસ બાદ પોલીસને મોટી સફળતા મળી છે.પોતાની પાસે દાગીના હોવાની ગામમાં વાત કરતાં ફરતા વૃદ્ધાને ગામમાં જ રહેતાં ઘર જમાઈએ પ્લાન ઘડી તેના ત્રણ ભાઈઓની મદદથી મોતને ઘાટ ઉતારી ઘરેણાં લૂંટી ફરાર થયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જેના આધારે પોલીસ હત્યા અને લૂંટની ઘટનાને અંજામ આપનારા ચાર શખ્સોને ઝડપી ઘટનાના 9માં દિવસે ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
તળાજા તાલુકાના મથાવડા ગામે પરિવારથી અલગ રહેતા વૃદ્ધા રાજુબેન ટેકાભાઈ સોલંકી (ઉ.વ.70)નો ગત તા.3ના રોજ વહેલી સવારે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.બનાવને લઈ મૃતકના પરિવારે અજાણ્યા વિરૂૂદ્ધ અલંગ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. તો, બીજી તરફ લૂંટ વીથ મર્ડરનો ભેદ ઉકેલવા અલંગ મરીનની એક અને એલસીબીની બે મળી ત્રણ ટીમોએ તપાસ શરૂૂ કરી શકમંદોથી લઈ અલગ-અલગ લોકોના નિવેદન અને પૂછપરછ ના આધારે તપાસ શરૂૂ કરી હતી. જેના 9 દિવસ બાદ લૂંટ વીથ મર્ડરનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
મૃતક વૃદ્ધા અવારનવાર પોતાની પાસે રહેલા ઘરેણાં અંગે અન્ય લોકોને જણાવતા હતા અને તેની જાણ ગામમાં ઘર જમાઈ તરીકે રહેતા સાગર મુકેશભાઈ પટેલીયા (રહે.હાલ મથાવડા ગામ, મુળ રહે.ભુંભલી)ને પણ હતી તેથી તેણે તેના ભાઈઓ નિતેષ ઉર્ફે ભુરો મુકેશભાઈ પટેલીયા (રહે.રતનપર-ભુંભલી રોડ વિસ્તાર), નિતેષ ઉર્ફે ટાભો ભરતભાઈ પટેલીયા (રહે.હાલ ડભોલી, સુરત, મુળ રહે.ભુંભલી) અને લાલજી મુકેશભાઈ પટેલીયા (રહે.ભુંભલી)ને વાત કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને ગત 30મી એપ્રીલના રોજ રેકી કર્યાં બાદ ચારેયે તા.3 મે મધ્યરાત્રિએ વૃદ્ધાના ઘરમાં ઘુસી તેમની પાસે રહેલાં ઘરેણાંની લૂંટ ચલાવી હત્યાને અંજામ આપ્યો હતો.તો, લૂંટના ઘરેણાંના ભાગ પાડી નાસી છૂટયા હતા. પોલીસે ગત મોડીસાંજે આ ગુનામાં સાગર મુકેશભાઈ પટેલીયાને મથાવડા ખાતેથી, નિતેષ ઉર્ફે ભુરો મુકેશભાઈ પટેલીયા તથા નિતેષ ઉર્ફે ટાભો ભરતભાઈ પટેલીયાને સુરત ખાતેથી ઝડપી લીધા હતા અનેરિમાન્ડની માંગ અર્થે ત્રણેયને કોર્ટમાં રજૂ કરતા ત્રણેયના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા ઉપરાંતમાં તેના અન્ય એક સાથી લાલજી મુકેશભાઈ પટેલીયાને ભુભલી ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છ, જેને આવતીકાસ સોમવારે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.