રાણપુરના જાળીલા ગામે દલિત સગીરની હત્યાથી ચકચાર
આરોપીને ઝડપી લેવા માંગ સાથે મૃતદેહ સ્વીકારનો પરિવારનો ઇનકાર
પોલીસ સ્ટેશન અને હોસ્પિટલમાં સમાજના ટોળા ઉમટ્યા
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે એક દલિત સગીરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર અને આક્રોશ ફેલાયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના હત્યા હોવાની ગંભીર આશંકા સેવાઇ રહી છે કેમ કે મૃતદેહ પર ક્રૂરતા આચરવામાં આવી હોવાના સ્પષ્ટ નિશાનો મળી આવ્યા છે.મૃતકની ઓળખ જાળીલા ગામના હર્ષદભાઈ મનજીભાઈ સોલંકી (ઉં.વ.17) તરીકે થઈ છે, જે ધંધુકા કોલેજમાં ઋઢઇઅમાં અભ્યાસ કરતો હોવાની માહિતી મળી છે.
પરિવારજનો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, ગત રાત્રે હર્ષદ સોલંકીને કેટલાક અજાણ્યા શખસોએ ફોન કરીને ઘરની બહાર બોલાવ્યો હતો. હર્ષદ બહાર ગયા બાદ મોડે સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોને ચિંતા થવા લાગી હતી. તેમણે તાત્કાલિક તેની શોધખોળ શરૂૂ કરી હતી. આ દરમિયાન, ગામની પાણીની ટાંકી પાસેથી હર્ષદનો મૃતદેહ મળી આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.પરિવારજનો અને સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતદેહ શંકાસ્પદ હાલતમાં હતો અને તેના પર ઈજાના ગંભીર નિશાનો જોવા મળ્યા હતા. શરૂૂઆતી આક્ષેપોમાં યુવકનો હાથ ભાંગી નાખ્યો હોવાની, ગળું દબાવ્યાના અને છરીના ઘા માર્યા હોવાના નિશાનોની વાત ચર્ચાઈ હતી, જેનાથી આ મામલો હત્યાનો જ હોવાનું સ્પષ્ટ બની રહ્યું છે.
ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો, અગ્રણીઓ અને સ્વજનો સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.સમાજમાં આક્રોશ એટલો પ્રબળ હતો કે લોકોએ સર્વસંમતિથી એક જ નિર્ણય જાહેર કર્યો હતો કે, જ્યાં સુધી પોલીસ આ ઘાતકી કૃત્યને અંજામ આપનાર હત્યારાઓને ઝડપી પાડશે નહીં, ત્યાં સુધી હર્ષદનો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. સમાજના આ નિર્ણયને પગલે પોલીસ પ્રશાસન પર દબાણ વધ્યું છે.મામલાની ગંભીરતાને જોતા DYSP, LCB સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો જાળીલા ગામે અને બોટાદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા સહિતનો મસમોટો પોલીસ કાફલો જાળીલા ગામે બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂૂ કરી છે. જ્યારે જાળીલા ગામે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મૃતદેહ પર ઉઝરડાના નિશાનો મળ્યા છે અને શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઅપ કર્યા છે :મહર્ષિ રાવલ, DYSP બોટાદ
બોટાદના DYSP મહર્ષિ રાવલે મીડિયાને આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, હર્ષદ સોલંકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો છે. મૃતદેહ પર ઉઝરડા અને ઈજાના નિશાનો સ્પષ્ટપણે મળી આવ્યા છે.તેમણે વધુમાં કહ્યું કે, મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ મોકલવામાં આવશે. પોલીસે આ મામલે અમુક શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરીને તેમની પૂછપરછ શરૂૂ કરી દીધી છે. પોલીસ આ ઘટનાને હત્યાની શંકાની દિશામાં જ ગંભીરતાથી તપાસી રહી છે...
હર્ષદ સોલંકીની હત્યાના આરોપીને ઝડપી સખ્ત સજા થાય અને અમને ઝડપથી ન્યાય મળે એવી અમારી માંગ છે:મૃતકના પરિવારજનો
આ ઘટના બાબતે મૃતક યુવકના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે ગત રાત્રે હર્ષદ સોલંકીને કેટલાક અજાણ્યા શખ્સોએ ફોન કરીને ઘરની બહાર બોલાવ્યો હતો. હર્ષદ બહાર ગયા બાદ મોડે સુધી ઘરે પરત ન ફરતાં અમારા પરિવારજનોને ચિંતા થવા લાગી હતી અને તાત્કાલિક તેની શોધખોળ શરૂૂ કરી હતી.અમારા ગામની જે પાણીની ટાંકી છે ત્યાંથી હર્ષદ સોલંકીનો મૃતદે મળી આવ્યો હતો. અમારા પરિવારજનોની માંગ છે કે આમાં જે કોઈ આરોપીઓ હોય તેઓને ઝડપી લઇ સખ્ત સજા થાય અમારા પરિવારને ઝડપથી ન્યાય મળે તેવી અમારી માંગણી છે..
કેબિનેટ મંત્રી પ્રધ્યુમન વાજા જાળીલા ગામે દોડી આવ્યા
રાણપુર તાલુકાના જાળીલા ગામે દલિત યુવકનો મૃતદેહ મળવાના મામલે રાજ્યના કેબિનેટ મંત્રી પ્રધ્યુમન વાજા જાળીલા ગામે દોડી આવ્યા હતા. મંત્રી પ્રધ્યુમન વાજા મૃતક યુવકના પરિવારજનોને મળીને પાઠવી સાંત્વના આપી હતી. મંત્રી પ્રધ્યુમન વાજા મૃતકના પરિવારજનોને મળતા પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. મંત્રીને મળતા પરિવારજનો માં આક્રંદ સાથે ગમગીન વાતાવરણ જોવા મળ્યુ હતુ.મંત્રી પ્રધ્યુમન વાજા પણ પોતાની આંખોમાં આંસુ રોકી શક્યા નહોતા.