મોરબીમાં ફાયરિંગની ઘટનામાં હથિયાર આપનાર શખ્સ બે પિસ્તોલ- કાર્ટિસ સાથે ઝડપાયો
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળા ગામ પાસે આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ઇજા પામેલ વ્યક્તિ તેમજ હથિયાર આપનારની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. જેની તપાસ દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા હથિયાર આપનાર શખ્સ પાસેથી કુલ બે પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટિસ કબજે કરવામાં આવ્યા છે. આરોપી તેમજ મુદામાલ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
તા. 27/9ના રોજ રાત્રિના 8:30 થી 9:00 વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર શનાળા પાસે આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં હથિયાર ચેક કરતા સમયે ફાયરિંગ થયું હતું. જેમાં મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા નામના વ્યક્તિને સાથળના ભાગે ઈજા થઇ હતી. જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હથિયાર આપનાર મોન્ટુ પલ્લભભાઈ રાવલ તથા ઇજા પામેલ મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા આ બંને શખ્સની સામે ગુનો નોંધાયો હતો અને તે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી.
દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ હકીકત આધારે પોલીસે આ બનાવમાં વપરાયેલ પિસ્તોલ તથા અન્ય એક પિસ્તોલ આમ કુલ મળીને બે પિસ્તોલ તથા પાંચ જીવતા કાર્ટિસ મળી આવતા પોલીસે 20,000 રૂૂપિયાની કિંમતની બે પિસ્તોલ તથા 500ના કાર્ટિસ આમ કુલ મળીને 20,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી ભાર્ગવ ઉર્ફે મોન્ટુ પલ્લભભાઈ રાવલ (28) રહે. ભક્તિનગર સર્કલ અનામિકા પાર્ક સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે. આ આરોપી તેમજ મુદામાલ મોરબી એ ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવેલ છે. જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને તેની ટીમે આરોપી પાસેથી ગેરકાયદે હથિયાર કયાંથી આવેલ છે અને તેની પાસે હથિયાર કેમ રાખતો હતો તે દિશામાં તપાસ શરૂૂ કરી છે.