For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરના હાપામાંથી સગીરાને ભગાડી જનાર શખ્સ મધ્યપ્રદેશમાંથી ઝડપાયો

12:34 PM Jul 29, 2025 IST | Bhumika
જામનગરના હાપામાંથી સગીરાને ભગાડી જનાર શખ્સ મધ્યપ્રદેશમાંથી ઝડપાયો

જામનગર નજીક હાપા વિસ્તારમાંથી બે વર્ષ પહેલા એક 16 વર્ષની સગીરાનું અપહરણ કરનાર આરોપીને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટની ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી ઝડપી લીધો છે. આરોપી હિતેશપરી નટુપરી ગોસ્વામી (33) મૂળ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામનો વતની છે. પોલીસે તેની સાથે રહેતી ભોગ બનનાર યુવતીને પણ સાથે લાવી છે. હાલ તે પુખ્ત વયની થઈ ગઈ છે.

Advertisement

બે વર્ષ પહેલા એક શ્રમિક પરિવારની 16 વર્ષની પુત્રીનું અપહરણ થયું હોવાની ફરિયાદ સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી. એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પીઆઇ એ.એ.ખોખર અને તેમની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.ખોખર અને એએસઆઇ આર.કે.ગઢવીની ટીમે આરોપીને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા ગામમાંથી ઝડપી લીધો હતો. ભોગ બનનાર યુવતીનું જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું છે. આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. અદાલતે તેને જેલમાં મોકલી દીધો છે. આરોપી હિતેશપરી ગોસ્વામી સામે 2014માં પણ લાલપુર પોલીસ મથકમાં એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો. તે કેસમાં અદાલતે તેને છ વર્ષની સજા ફટકારી હતી. 2021માં સજા પૂરી કરીને બહાર આવ્યા બાદ તેણે ફરીથી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement