યુવતીને પ્રેમજાળમાં ફસાવી શખ્સે કાગળો પર સહીઓ કરાવી બોગસ મેરેજ સર્ટિ.બનાવી નાખ્યું!
રાજકોટની યુવતી ગુમ થયાની પિતાએ અરજી કરતા બન્ને પોલીસમાં હાજર થયા
રાજકોટ શહેરની એક યુવતીને મોબાઇલ ટેલીકોમની દુકાન ધરાવતા શખ્સે પ્રેમજાળમાં ફસાવી ડોક્યુમેન્ટ મંગાવી સહીીઓ કરાવી બોગસ મેરેજ સર્ટીફેક્ટ કઢાવ્યું હતું. આ મામલે યુવક-યુવતી ભાગી ગયા બાદ યુવતીના પિતાએ પોલીસમાં અરજી કરતા બન્ને પોલીસમાં હાજર થયા હતા. ત્યાં જાણવા મળ્યું હતુ કે, યુવક પરિણીત અને તેમને આઠ વર્ષનો પુત્ર હોવાનું ખુલતા અંતે પોલીસમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગતો અનુસાર, રાજકોટમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની ફરિયાદ પરથી આંબેડક્રનગરમાં રહેતા રાજુ ધનજીભાઇ વરણ વિરુદ્ધ પોતાની જ્ઞાતિ, ઉંમર અને પોતાના અગાઉ થયેલા લગ્ન છુપાવી યુવતીના ડોક્યુમેન્ટ મેળવી યુવતી સાથેનું બોગસ મેરેજ સર્ટીફીકેટ બનાવણવી વિશ્ર્વાસ કરતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પોતે કોલેજમાં અભ્યાસ કરે છે. બે વર્ષ પહેલા પાર્લરનું કામ શીખતી હતી ત્યારે આર.વી.ટેલીકોમ મોબાઇલ રીપેરીંગની દુકાન ધરાવતા રાજુ સાથે પરિચય થતા મિત્રતા થઇ હતી. યુવતીએ પુછતા રાજુએ તેનું આધાર કાર્ડ મોકલતા તેમાં તેમની ઉંમર 26 વર્ષ હોવાનું જણાવેલ હતું. ત્યાર બાદ બન્ને ક્રિષ્ટલમોલ પાસે મંદિરે દર્શન કરવા ગયા ત્યારે ત્યાં તેની પત્ની હર્ષિદા આવી પહોંચી હતી અને તેમણે કહ્યુ કે, આ મારો પતિ છે તેની સાથે મે લગ્ન કાય4 છે. ત્યારે રાજુએ યુવતીને ત્યાંથી જતા રહેવાનું કહેતા તે ત્યાંથી જતી રહી હતી. ત્યાર બાદ બીજા દિવસે રાજુને પુછતા તેમણે તે મારી પત્ની નહોતી તે પ્રોપર્ટી હડપ કરવા પાછળ પડી છે. તેમ કહ્યુ હતુ. ત્યાર બાદ રાજુએ ડોક્યુમેન્ટ માંગતા આધાર કાર્ડ, લીવીંગ સર્ટી અને જન્મતારીખનો દાખલો આપ્યા હતા.
ત્યાર બાદ રાજુએ યુનિવર્સિટી રોડ પર બોલાવી કારમાં આ ડોક્યુમેન્ટમાં વિશ્ર્વાસમાં લઇ સહી કરાવી લીધી હતી. બાદમાં હોસ્પિટલ ચોક બાજુ વકીલની ઓફીસે લઇ જઇ ફુલહાર વાળા ફોટા પાડી લઇ સહી કરી હતી અને રાજુએ હિન્દુ વીધિથી પછી લગ્ન કરીશ તેમ જણાવ્યું હતું. બાદમાં રાજુ સાથે ઘરેથી કોઇને કહ્યા વગર મુંબઇ, રાજસ્થાન, ઉદયપુર, હરીદ્વાર સહિતના સ્થળો પર ગયા હતા અને હરીદ્વારમાં પુજારીએ રાજુને જ્ઞાતિ પુછતા તેમણે પ્રથમ મારવાડી અને બાદમાં વણકર જ્ઞાતિ જણાવ્યું હતું. બાદમાં રાજકોટ ખાતે એન્ટી હ્યુમન ટ્રાફીક યુનિટમાં રાજુ તેના વકીલ સાથે બન્ને હાજર થયા હતા. તેમજ આ મામલે પિતાએ ગુમ નોંધની ફરિયાદ કરી હતી. ત્યાં મેરેજ સર્ટી રજુ કરતા જાણવા મળ્યું કે, રાજુની ઉંમર 34 હોવાનું જાણવા મળ્યું હતુ અને તેમના લગ્ન થઇ ગયા હતા તેમજ તેમને આઠ વર્ષનો દીકરો પણ છે. તેમજ આ મેરેજ સર્ટી ધોરાજી તાલુકાના ભાદાજાળયા ગ્રામપંચાયતનું હોય તપાસ કરતા આ મેરેજ સર્ટી પણ ખોટું હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસ કમિશનરને અરજી કરતા યુનિવર્સિટી પોલીસ મથકમાં રાજુ વરણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાજુએ અગાઉ અનેક છોકરીઓને ફસાવી હોવાની યુવતીના પિતાએ આક્ષેપ ર્ક્યો હતો.