જૂનાગઢના પૂર્વ ડે.મેયરના હત્યારાએ નકલી આધાર કાર્ડથી ડ્રા.લાઈસન્સ, પાન-ચૂંટણી અને સીમકાર્ડ કઢાવી લીધા !
જેલમાં રહેલા આરોપી પાસેથી મોબાઇલ સહિતની વસ્તુ મળી આવતા તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપાઇ હતી
જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સને 2010માં હત્યા, આર્મ્સ એક્ટ વગેરે ગુનામાં જેલમાંથી પેરોલ પર છૂટી આરોપી અશ્વિન વલકુભાઈ ફરાર થઈ ગયો હતો. ગઈ તા. 12 સપ્ટેમ્બરના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. હાલ જૂનાગઢ જેલમાં અશ્વિન પાસેથી 3 મોબાઈલ ફોન, ઇન્ટરનેટ રાઉટર, 2 ડ્રાઇવિંગ લાયસન્સ, 2 આધાર કાર્ડ, પાન કાર્ડ, 2 બેન્ક એટીએમ કાર્ડ, 2 સીમકાર્ડ કબજે કરવામાં આવ્યા હતા. જેની તપાસ કરાઈમ બ્રાન્ચના પીએસઆઇ ડી. કે. ઝાલાને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીએ ગુનાહિત પ્રવૃત્તિ કરવા તથા પોલીસ પકડથી દૂર રહેવા માટે નાગલપુરના વિજયભાઈ ભનુભાઈ કાંબલીયાના નામનું આધારકાર્ડ મેળવી તેમાં પોતાનો ફોટો તથા જામનગરની પટેલ કોલોનીના મનોજભાઈ હરદાસભાઇ વાઘેલાના નામનું બનાવટી આધાર કાર્ડ બનાવ્યું હોવાનું અને તેનો ઉપયોગ સીમકાર્ડ ખરીદવા માટે કર્યો હતો.
તેમજ ઉત્તર પ્રદેશ રાજ્યનું રામસિંઘ સંતોષસિંઘ રહે. બીરામપુર કેરાકતના નામના ડ્રાઇવિંગ લાઇસન્સમાં પોતાના ફોટા નો ઉપયોગ કરી બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી લીધો હતો ઉપરાંત આરોપીએ પોતાના નામનો મહારાષ્ટ્ર માલેગાવના નામનું આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ બનાવી લીધું હતું અને જે આધારકાર્ડનો ઉપયોગ ઉપયોગ કરી માલેગાવ આરટીઓ કચેરીમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ, સીમકાર્ડ મેળવી અને કોટક મહિન્દ્રા બેન્કમાં ખાતું પણ ખોલાવી લીધું હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
ઉપરાંત આરોપી અશ્વિન વલકુએ રાણાવાવના કેશવાલા રામભાઈ જીવાભાઇના પાનકાર્ડમાં બીજાના પાન નંબરનો ઉપયોગ કરી બનાવટી આઈકર વિભાગનું પાનકાર્ડ બનાવ્યું હોવાનું પણ સામે આવતા મંગળવારે પીએસઆઇ ઝાલાએ ફરિયાદી બની અશ્વિન વલકુભાઈ વિરુદ્ધ બનાવટી ડોક્યુમેન્ટનો ગુનો નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.
