જૂનાગઢના પૂર્વ ડે.મેયરનો હત્યારો છ વર્ષે પકડાયો
પેરોલ મેળવી ફરાર થયો હતો, એસએમસીએ રાજસ્થાનના બિકાનેરથી ઝડપી લીધો
જૂનાગઢ જેલમાંથી જામીન પર છૂટી 6 વર્ષથી નાસતો ફરતો ડેપ્યુટી મેયરનો હત્યારો અશ્વિન વલકુભાઈ સભાડને રાજસ્થાનના બિકાનેરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી જૂનાગઢ પોલીસના હવાલે કર્યો હતો. શહેરના ગિરનાર દરવાજા વિસ્તારનો અશ્વિન સભાડ તથા અન્ય શખ્સો ડ્રગ્સ, અત્યારની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તે અંગેની માહિતી તે મહાનગરપાલિકા વોર્ડ નંબર 9ના કોર્પોરેટર, મનપાના દંડક તથા પૂર્વ ડે. મેયર કરમણભાઈ પુંજાભાઈ કટારાએ પોલીસને આપી હોવાની અદાવત રાખી અશ્વિન વલકુ સહિત 5 શખ્સે ગઈ તા. 02-02-2010ના રોજ ભવનાથમાં વડલી ચોક ખાતે પિસ્તોલમાંથી કરમણભાઈ પર 3 રાઉન્ડ ફાયર કરી માથા, પીઠના ભાગે ગંભીર પહોંચાડી હત્યા કરી નાસી ગયા હતા.
આ ઘટનામાં પોલીસે પ્રથમ 4 આરોપીને અને બાદમાં મહામહેનતે તા. 26-02-2010ના રોજ અશ્વિન વલકુની ધરપકડ કરી હતી. બાદમાં સેશન્સ કોર્ટના હુકમથી મુખ્ય આરોપી અશ્વિન સભાડને કાચા કામના કેદી તરીકે જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના અન્વયે તા.18-10-2010ના 5 દિવસના વચગાળાના જામીન મંજુર થયા હતા. અશ્વિન વલકુ વચગાળાના જામીન ઉપરથી હાજર નહીં થઈ તા.24-10-2019થી ફરાર થઈ ગયો હતો. આરોપીની સત્વરે ધરપકડ કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં એસએમસીના એસપી મયુર ચાવડાએ ટીમો કાર્યરત કરી હતી.
આરોપી અશ્વિન વલકુ જુદા જુદા વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યમાં ફરતો હોવાની અને હાલ રાજસ્થાનીના બિકાનેર ખાતે હોવાની બાતમી મળતા એસએમસીની ટીમ બિકાનેરથી ઝડપી લઇ શુક્રવારે વધુ કાર્યવાહી અર્થે જૂનાગઢ પેરોલ ફ ર્લો સ્કવોડ ને સોંપી આપ્યો હતો.
સાધુ બનીને ફરતો હતો
કાચા કામનો કેદી અશ્વિન વલકુભાઈ સભાડ પોતાની ધરપકડ થાય નહીં તે માટે બાલ, દાઢી વધારીને સાધુ જેવા તેમજ શીખની પાઘડી જેવા જુદા જુદા ધારણ કરી અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો. છતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સિસથી બાતમી આધારે વોચ ગોઠવી ઝડપી લઇ મહત્વની સફળતા મેળવી હતી.
હત્યા, ડ્રગ્સ સહિત 12થી વધુ ગુના
4 સાગરીત સાથે મળી પૂર્વ ડે. મેયર કરમણભાઈ કટારાની ભવનાથ ખાતે હત્યા કરનાર શહેરના ગિરનાર દરવાજાનો અશ્વિન વલકુ વિરુધ્ધ ખૂન, એનડીપીએસ, શરીર સંબંધી તેમજ આર્મ્સ એક્ટ હેઠળ સહિત 12થી વધુ ગુના નોંધાયા હતા.