ધ્રાંગધ્રામાં પરિણીત પ્રેમિકાને મળવા જતાં યુવકને માર મારવાના પ્રકરણમાં બનાવ હત્યામાં પલટાયો
ધ્રાંગધ્રા શહેરમાં રહેતા એક યુવાનનો ઈન્સ્ટાગ્રામ થકી એક પરિણીત મહિલા સાથે સંપર્ક થયો હતો. તા. 15ના રોજ રાત્રે દોઢ કલાકે યુવાન પરિણીતાને મળવા જતા પરીણીતા, તેના પતિ સહિત પાંચ આરોપીઓએ યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવમાં યુવાનનું સારવાર દરમિયાન મોત થતા આ બનાવ હત્યામાં પરીણમ્યો છે.
ધ્રાંગધ્રાની એક સોસાયટીમાં 24 વર્ષીય મહિલા રહે છે. તેઓએ 4 વર્ષ પહેલા લવ મેરેજ કરેલા છે. હાલ તેઓને સંતાનમાં 2 વર્ષનો દિકરો છે. દોઢેક માસ પહેલા તેઓને ઈન્સ્ટાગ્રામ થકી સોની તલાવડી વિસ્તારમાં રહેતા ગૌતમ ગોપાલભાઈ કાચરોલા સાથે પરીચય થયો હતો. અને બન્ને વાતો કરતા હતા. બાદમાં મહિલાએ વાતો કરવાની ના પાડતા ગૌતમ અવારનવાર વાત કરવાની ધમકી આપતો હતો. ગત તા. 15મીએ રાત્રે દોઢ કલાકે મહિલાએ પુર્વ આયોજીત કાવતરૂૂ રચીને ગૌતમને ઘરે મળવા બોલાવ્યો હતો.
જેમાં ગૌતમ જતા લોખંડની ટામી અને લાકડાના ધોકા વડે મહિલા, તેના પતિ આકાશ જયેશભાઈ સનારા, સસરા જયેશ કરશનભાઈ સોનરા, ધવલ ઉર્ફે ધોની જયેશભાઈ સોનરા અને સતીશ ઉર્ફે ભુવાએ જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જેમાં ગૌતમને સારવાર માટે શ્રીજી હોસ્પીટલ અને ત્યાંથી અમદાવાદ લઈ જવાયો હતો. જયાં તા. 25મીએ મોડી રાત્રે ગૌતમનું મોત થતા આ બનાવ હત્યામાં પરીણમ્યો છે. પોલીસે આરોપીઓ સામે હત્યાની કલમ ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે.