થાનના સ્મશાનમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો, સાધુએ જ હત્યા કરી હતી
થાનમાં રહેતા અને વેલ્ડીંગ કામનો વ્યવસાય કરતા વ્યકિતનો મૃતદેહ અનુજાતી સમાજના સ્મશાન માંથી મળી આવતા ચકચાર ફેલાઇ હતી. પોલીસે તે સમયે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં નજરે જોનારની જુબાનીને આધારે પોલીસે સ્મસાનમાં રહેતા સાધુની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. સાધુ હાલ ફરાર થઇ ગયો છે. થાન આબેડકર નગર-5 માં રહેતા દિનેશભાઇ આલાભાઇ સોલંકી વેલ્ડીંગ કામનો ધંધો કરતા હતા.ત્રીજી તારીખે તેઓ સાયલા વેલ્ડીંગ કામ કરવા માટે જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા. પરંતુ બીજા દિવસે તેમનો મૃતદેહ સ્મસાન માંથી મળી આવ્યો હતો.
પોલીસે આ બનાવમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પરંતુ સાધુએ દિનેશભાઇ ઉપર હુમલો કર્યો હોય અને પ્રતિક ઉર્ફે કાનો છનાભાઇ પરમાર નજરે જોયુ હોય. પોલીસે ભુપેન્દ્રભાઇ ઉર્ફે કાનાભાઇ સોલંકીની ફરિયાદને આધારે ભાગી ગયેલા સાધુ હરીદાસ ઉર્ફે ઠાકોરબાપુ સામે હત્યાનો ગુનો દાખલ કરી શોધવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.
પ્રતિકે જણાવ્યું હતું કે, હું બપોરના 3 વાગ્યાના અરસામાં સ્મસાનમાં આવેલા મેલડી માતાના મંદિરે દર્શન કરવા ગયો હતો ત્યારે સમાધી પાસે એક સાધુ હતા. આ સાધુએ દિનેશભાઇને માથાના અને શરીરના ભાગે ઘા કર્યા હતા. આથી દિનેશભાઇ પડી ગયા હતા અને સાધુ ભાગી ગયો હતો.
ફરિયાદી ભૂપેન્દ્રએ જણાવ્યું હતું કે, મારા પિતાજી સેવાભાવી હતા.તે સ્મશાનમાં પક્ષીઓને ચણ નાખવા માટે જતા હતા.ત્યારે આ સાધુ સાથે કોઇ બાબતે તકરાર થઇ હશે અને તેણે હુમલો કરીને હત્યા કરી છે.
