જેતપુરમાં પકડાયેલ ટોળકીએ ગુજરાતમાં અનેક લોકોને શિકાર બનાવ્યા
1 લાખના બદલે બે લાખની ચિલ્ડ્રન બેન્ક નોટ ધાબડી દેનાર પાંચ પકડાયા : જેતપુર ઉપરાંત બરોડા, સુરત, જૂનાગઢ, સહિત અનેક શહેરોમાં કળા કર્યાનું ખુલ્યું
અમરેલીના ખાંભા તાલુકાના સમઢિયાળા ગામના રત્નકલાકારને એક લાખના બદલે બે લાખની 500ના દરની જુની નોટ આપવાના બહાને ચીલ્ડ્રન બેંકની નકલી નોટ ધાબડી દેવાના પ્રકરણમાં જેતપુર પોલીસે ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા હતાં. જેની પુછપરછમાં આ ટોળકીએ રાજકોટ ઉપરાંત જૂનાગઢ, સુરત, વડોદરામાં પણ આવી નકલી નોટ ધાબડી છેતરપીંડી કર્યાનું ખુલ્યું છે. આ મામલે ટોળકીના સુત્રધાર જે ફરાર હોય તેની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે.
અમરેલીના સમઢિયાળા ગામના રત્નકલાકાર લલીત નારણભાઈ વરુને એક લાખના બદલામાં 500ના દરની જૂની અને ડાઘાવાળી બે લાખની 500ની નોટ આપવાની લાલચે જેતપુર બોલાવી 500ના દરની જૂની નોટના બદલે ચીલ્ડ્રન બેંકની નકલી નોટ ધાબડી દેવામાં આવી હતી. આ મામલે જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ કરી આ પ્રકરણમાં સંડોવાયેલા પાળિયાદના વાલજી ઉર્ફે વિજય મુકેશ ધનજીભાઈ મકવાણા જેતપુરના અસ્લમખાન નુરખાન પઠાણ, એઝાઝ હાજીભાઈ ઠેબા અને યુસુફ ઉર્ફે અજય જૂમાભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી. આ ચાર શખ્સો સાથે નકલી નોટ ધાબડી દેવાના પ્રકરણમાં જેતપુરનો અશ્ર્વિન વિનુ વેગડાનું નામ ખુલ્યું છે. જે હાલ ફરાર છે.
જેતપુર પોલીસે આ ચારેય શખ્સો પાસેથી મનોરંજનમાં ઉપયોગમાં આવતી ભારતીય મનોરંજન બેંક લખેલી 500ના દરની ખોટી નોટો કબ્જે કરી હતી. આ ટોળકીએ જેતપુર ઉપરાંત જૂનાગઢ, બરોડા, સુરતમાં પણ આવી નકલી નોટો પધરાવી છેતરપીંડી કરી હોવનું સામે આવ્યું છે. આ ટોળકી એક લાખના બદલે બે લાખની ડાઘાવાળી અને જૂની નોટ આપવાની લાલચ આપી વ્યક્તિને મળવા બોલાવતી અને ઓરિજનલ નોટની થપ્પી બતાવ્યા બાદ પબ્લીકની અવરજવર છે તેવુ કહી ખુણામા લઈ જઈ કોથળીમાં નકલી નોટનું બંડલ આપી ત્યાંથી ભાગી જતાં હતા.
જ્યારે સાચી નોટના આ ટોળકી ભાગ પાડી લેતી હતી. આ પ્રકરણમાં વાલજી મકવાણા સુત્રધાર છે. જ્યારે અન્ય તેની સાથે મદદગારીમાં હોવાનું ખુલ્યું છે. વાલજી સામે સાત ગુના, અસ્લમ સામે છ ગુના, એઝાજ સામે ત્રણ અને યુસુફ સામે એક ગુનો અને જ્યારે અશ્ર્વિન સામે 37 જેટલા ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જેતપુર સીટી પોલીસ મથકના પીઆઈ એ.ડી. પરમાર સાથે વીસી પરમાર, પીએસઆઈ જીબી જાડેજા, ભાવેશભાઈ ચાવડા, ચંદ્રસિંહ વસૈયા, સાગરભાઈ, શક્તિસિંહ ઝાલા, અમિતભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.