ઠેબચડાના ખેડૂતે 19 કરોડની સામે 34 કરોડ ચૂકવ્યા, છતાં વ્યાજખોરો ધરાતા નથી!
વધુ પચાસ લાખથી એક કરોડની ઉઘરાણી, પોલીસ કમિશનરને અરજી કરતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઇ
રાજકોટ નજીક આવેલા ઠેબચડા ગામમાં રહેતા ખેડૂતે સાત વ્યાજખોર પાસેથી લીધેલી રૂૂ. 19.55 કરોડની મુદ્દલ રકમ ઉપરાંત 15 કરોડ રૂૂપિયા વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં વધુ રકમની માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા ખેડૂતે પોલીસ કમિશનરને કરેલી અરજી બાદ તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી હોવાનું હાલ જાણવા મળ્યું છે.બે શખ્સની અટકાયત કરીને અન્યની શોધખોળ શરૂૂ કરવામાં આવી હોવાનું ક્રાઈમબ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું.આ ઘટનામાં મળતી વિગતો મુજબ ઠેબચડા ગામમાં રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈ રઘુવીરસિંહ જાડેજાએ કરેલી લેખિત અરજીમાં જણાવ્યું હતું કે,છેલ્લા પાંચેક વર્ષથી તેને જમીન મકાનના ધંધા માટે રૂૂપિયાની જરૂૂરિયાત માટે સાત વ્યક્તિઓ પાસેથી અંદાજે 19.55 કરોડ રૂૂપિયા 3,4 અને 5 ટકાના વ્યાજેથી લીધા હતા.ધંધામાં મંદી આવતા વ્યાજ ચૂકવવું અઘરું થઈ ગયું હતું.આથી સાતેય વ્યાજખોરને પોતાની અને પોતાના સગા સંબંધીઓની ખેતીની જમીન તેમજ કેટલાક મકાનના દસ્તાવેજ કરી આપ્યા હતા.
સાતેય વ્યક્તિઓને મુદ્દલ રકમ 19.55 કરોડ ઉપરાંત 15 કરોડનું વ્યાજ સહિત કુલ 34.55 કરોડ આપી દીધા હોવા છતાં હજુ પણ વ્યાજખોરો 50 લાખથી 1 કરોડ સુધીની રકમ વધુ આપવી પડશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.પોલીસે ઉપરોક્ત લેખિત અરજીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર. ગોંડલીયા અને પીઆઇ એમ.એલ.ડામોર સહિતના સ્ટાફે બે શખ્સની પૂછપરછ માટે અટકાયત કરી છે અને તમામ આધાર પુરાવા મેળવ્યા બાદ વ્યાજખોરો સામે મનીલેન્ડ એક્ટ ઉપરાંત ઈ.પી.કો. કલમ 386,384,387,406, 420, 506(2) મુજબ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
સાતેય વ્યાજખોરોને મૂળ રકમ કરતા વધુ નાણાં ચૂકવ્યા, કરોડોની મિલકત પણ પચાવી પાડી!
અમરગઢ (ભીચરી) ના ભૂપત સંગ્રામ શિરોલિયા પાસેથી કટકે કટકે 13.85 કરોડ રૂૂપિયા લીધા હતા. મૂળ રકમ ઉપરાંત 10 કરોડ રૂૂપિયા વ્યાજ ચૂકવી દીધું હતું છતાં ઠેબચડામાં આવેલી 20 વિઘા જમીનનો દસ્તાવેજ ભૂપત કરી આપતો નથી અને હજુ પણ વધુ પૈસાની માગ કરી રહ્યો છે.પાડાસણમાં રહેતા મહેશ વેલા મુંધવા અને રાજકોટમાં આર્યનગર મેઈન રોડ પર ગોવિંદબાગ શાક માર્કેટ પાસે રહેતા વિક્રમ સતા ગમારા પાસેથી 2.85 કરોડ વ્યાજે લીધા હતા. મૂળ રકમ ઉપરાંત 5 કરોડ વ્યાજ ચૂકવી દીધુ છતાં સરધારમાં આવેલા 3 મકાનના દસ્તાવેજ કરી આપતા નથી જ્યારે લક્ષ્મીવાડીમાં રહેતા પરેશ બચુ ડાભી પાસેથી 50 લાખ વ્યાજે લીધા હતા એ રકમ પરત આપી દીધી આમ છતાં સાતડા ગામમાં આવેલી જમીનનો દસ્તાવેજ કરી આપતો નથી. આ ઉપરાંત નવાગામ(આણંદપર)માં રહેતા અજય જીવણ ઝાપડા પાસેથી 1.35 કરોડ વ્યાજે લીધા હતા.તેની મૂળ રકમ અને વ્યાજ આપી દીધું હોવા છતાં ત્રણ મકાનના દસ્તાવેજ અજય કરી આપતો નથી. જ્યારે બોટાદ જિલ્લાના ગઢડામાં ભાથીજી મહારાજની દેરી પાસે રહેતા પંકજ જેસિંગ સુમડ પાસેથી 1 કરોડ રૂૂપિયા વ્યાજે લીધા હતા. મૂળ રકમ ઉપરાંત વ્યાજ પણ ચૂકવી દીધું હોવા છતાં રામોડિયા ગામની સરવે નં. 57 પૈકી 1ની 15 વિઘા જમીનનો દસ્તાવેજ કરી આપતો નથી.