ક્રિપ્ટો કરન્સીમાં પૈસા હારી જતા પોલીસે પૈસા પડાવ્યાની વેપારીના પુત્રએ ખોટી સ્ટોરી ઘડી’તી
રાજકોટ શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા અશ્ર્વિનભાઇ આડેસરાએ લીંબડીમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં અશ્ર્વિનભાઇ પાસેથી મળેલી સ્યુસાઇડ નોટના આધારે 4 વેપારીઓ સામે આપઘાતની ફરજ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે મૃતકના પરીવારજનોએ એ ડીવીઝન પોલીસ મથકમાં કિશનભાઇ આહીર અને ભગીરથસિંહ ઝાલા વિરૂધ્ધ પૈસા પડાવ્યાનો આક્ષેપ કરતા બંને પોલીસમેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે જેમાં મૃતક અશ્ર્વિનભાઇ આડેસરાનો પુત્ર હિરેન આડેસરા ક્રિપ્ટો કરન્સીમાં નાણા હારી જતા આ સમગ્ર સ્ટોરી ઘડયાનો ઘટસ્ફોટ થયો છે.
પિતાના આપઘાત બાદ પુત્ર હિરેને અને ભાઇ તેજસે આક્ષેપ કર્યો હતો કે અશ્ર્વિનભાઇ એ સ્યુસાઇડ નોટમાં ચારના નામ લખ્યા હતા તે ધર્મેશભાઇ, અતુલ પારેખ, મનોજ અને વિવેક વિનુ પટેલે અગાઉ એ ડીવીઝન પોલીસ મથકમાં અશ્ર્વિનભાઇ આડેસરા અને તેમના પુત્ર હિરેને સોનાની ચોરી કર્યાનો પોલીસમાં આક્ષેપ કર્યો હતો. આ મામલે બંને પોલીસમેને પિતા-પુત્રને પોલીસ મથકે લઇ જઇ બેફામ માર માર્યો હતો અને સોનુ પડાવી લીધાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સમગ્ર હકીકત બહાર આવી છે કે હિરેન આડેસરા ક્રિપ્ટો કરન્સીમાં નાણા રોકયા હોય તે નાણા હારી જતા વેપારીઓ પાસેથી સોનુ ચોરી કર્યાનુ કબુલાત આપતુ વિડીયો હાલ સોશ્યલ મીડીયામાં વાઇરલ થઇ રહયો છે તેમજ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે કે હિરેન આડેસરાએ જે વેપારીઓ પાસેથી સોનુ લીધુ છે તે વેપારીઓને સોનુ આપવાની વાત થઇ હતી આ સોનુ પરત આપવાને બદલે ક્રિપ્ટો કરન્સીમાં નાણા રોકી દીધા હતા તેમજ પોલીસ કમિશનરે પણ મૃતકના ભાઇ અને પુત્રની વાતોને ધ્યાને રાખી બંને પોલીસમેનને સસ્પેન્ડ કર્યા છે ત્યારે જો આ બંને પોલીસમેન સાચા હોય તો તેઓને ફરી ફરજ પર લેવા લોકોમાં ચર્ચા જાગી છે તેમજ પોલીસને ગેરમાર્ગે દોરનાર હિરેન આડેસરા વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ ? તે અંગે હવે સવાલ ઉઠી રહયા છે.