રૈયાધારના યુવાનને લૂંટેરી દુલ્હનનો ભેટો 10 દિવસ સાથે રહ્યા બાદ ગઈ... તે ગઈ !
અમદાવાદની ઠગ ટોળકીએ લગ્ન કરાવી 2.67 લાખ પડાવી લીધા : પરત મોકલવાનું કહેતા મારી નાખવાની ધમકી આપી
લગ્ન વાંચ્છુક યુવાનોને ભોળવી નાણાપડાવી લેતી ટોળકીના કારનામા અવારનવાર સામે આવતાં રહે છે ત્યારે આવા જ વધુ એક બનાવમાં રૈયાધારના યુવાનને લુંટેરી દૂલ્હનનો ભેટો થયો હતો. અમદાવાદની ઠગ ટોળકીએ યુવાન સાથે લુંટેરી દુલ્હનના લગ્ન કરાવી રૂા.2.67 લાખ પડાવી લીધા બાદ લૂંટેરી દુલ્હન 10 દિવસ સાથે રહ્યા બાદ રિવાજ મુજબ 10 દિવસ માવતરે રોકાવાનું જવાનું કહી ગયા બાદ પરત જ ન આવી હતી. આ બાબતે મેરેજ બ્યુરો વાળાને વાત કરતાં તેણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસે અમદાવાદની ઠગ ટોળકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રૈયાધારમાં બંસીધર પાર્ક શેરી નં.3માં રહેતા વિપુલ ગોપાલભાઈ લાઠીયા (ઉ.37)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના રાજુ ઠક્કર, હસમુખ મહેતા, ચાંદની રમેશ રાઠોડ, ચાંદનીના માતા સુસીલાબેન અને પિતા રમેશ રાઠોડના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેણે વર્ષ 2023માં ફેસબુકમાં જય માડી મેરેજ બ્યુરોની જાહેરાત જોતાં તેમાં સંપર્ક કર્યો હતો. બાદમાં વર્ષ 2024માં જય માડી મેરેજ બ્યુરો વાળા હસમુખભાઈએ તમારા લાયક છોકરી હોવાનું કહી અમદાવાદ ખાતે બોલાવી છોકરીના મામા રાજુભાઈ ઠક્કર સાથે વાત કરાવી હતી અને લગ્ન પેટે છોકરીના પરિવારને 2.30 લાખ આપવાના થશે તેમ કહેતા તેમને છોકરી પસંદ આવતાં ચાંદની સાથે લગ્ન કર્યા હતાં અને હસમુખભાઈ મહેતાને રૂા.2.30 લાખ આપ્યા હતાં બાદમાં લગ્ન કરી ચાંદનીને ઘરે લાવ્યા હતાં અને સોના-ચાંદીના દાગીના લઈ દીધા હતાં.
ચાંદની 10 દિવસ રોકાયા બાદ રીત રીવાજ મુજબ 10 દિવસ માવતરે જવું પડે તેમ કહી તેના માતા પિતા ઘરે આવી તેને તેડી ગયા હતાં. બાદમાં ચાંદનીને પરત મોકલવા માટે ફોન કરતાં રાજુભાઈએ ચાંદનીના દાદી રાજસ્થાનમાં ગુજરી ગયા છે તેવું બહાનું કાઢયું હતું ત્યારબાદ ચાંદીનું અકસ્માત થયો છે તેવું કહી અવારનવાર બહાના કાઢી પરત મોકલતા ન હોય અને બાદમાં છુટાછેડા લેવાનું કહેતા ફરિયાદીએ તેણે આપેલા નાણા અને દાગીના પરત આપવાનું કહેતા રાજુભાઈએ પૈસા નથી આપવા તમારે થાય તે કરી લો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આમ યુવાન સાથે રૂા.2.67 લાખની છેતરપીંડી થયાનું જણાઈ આવતાં તેણે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અમદાવાદની ઠગ ટોળકી સામે ગુાને નોંધી વધુ તપાસ હાથ ધરી છે.