રાણપુરમાં સરકારી જમીન પર બનેલા 71 દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધીના રોડ ઉપરના 100 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. ત્યારબાદ તંત્ર દ્વારા અણીયાળી(કસ્બાતી) રોડ ઉપરના 71 દબાણ કર્તાઓને દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટીસ આપવામાં આવી હતી.ત્યારે તંત્ર દ્વારા આજરોજ બરવાળા પ્રાંત અધિકારીની સુચના હેઠળ અણીયાળી રોડ ઉપરના 71 દબાણ હતા તે દબાણો દૂર કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે.રાણપુર મામલતદાર કે.બી.ગોહીલ, સર્કલ મામલતદાર નિરવ વ્યાસ,પંચાયત હસ્તક રોડના અધિકારીઓની હાજરીમાં સવારથી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા જેમાં 2 જે.સી.બી. મશીન,3 ટેકટર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા અણીયાળી રોડ ઉપરના દબાણો હટાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી જ્યાં લોકોના મોટા ટોળા એકઠા થયા હતા.
જ્યારે તંત્ર દ્વારા અણીયાળી રોડ ઉપરના દબાણ હટાવવાની કામગીરી શરૂૂ હતી ત્યારે ક્યાંક ને ક્યાંક દબાણ હટાવવાને લઈને વિરોધ અને વિવાદ ઉભો થયો હતો ત્યારે તંત્રના અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.જ્યારે રાણપુર શહેરમાં અન્ય જાહેર માર્ગો ઉપરના જે દબાણ છે તે મામલે રાણપુરના મામલતદાર કે.બી. ગોહિલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જે કંઈ જાહેર માર્ગો ઉપર, સરકારી જગ્યાઓમાં જે લોકોએ દબાણ કરેલા છે તે તમામ દબાણો હટાવવામાં આવશે તેમજ ગૌચરની જમીન ઉપર દબાણો જે છે પણ દૂર કરવામાં આવશે.