આરોપી જેલમાં પણ સીધા નથી રહેતા! હોસ્પિટલ જવા બાબતે બે કેદી બાખડી પડ્યા
જૂનાગઢ જિલ્લા જેલમાં પતારે સિવિલ હોસ્પિટલમાં જવાનું છેથ પુછાતા હત્યા કેસના 2 કેદીએ ઝઘડો કરી ઢાંકણ મારતા માથામાં ટાંકા આવ્યા હતા.
આઈટી એક્ટના ગુનામાં જૂનાગઢ જેલમાં સજા ભોગવતો સુરતના કઠોદરા વિસ્તારનો કાચા કામનો કેદી 31 વર્ષીય વિશાલ ધીરુ તળાવીયા ગત તા. 25 જાન્યુઆરીના રોજ સવારે 8:30 વાગ્યે જેલમાં સર્કલ નં. 1ના ગેટ પાસે હતો. ત્યારે કેદી ગોરખ જશુ બસીયાને પતારે સિવિલ હોસ્પિટલમાં જવાનું છેથ તેમ પૂછતા તેણે ઉશ્કેરાઈ જઈને ગાળો કાઢી હતી અને ઝઘડો કર્યો હતો. બાદમાં રાજુ બાઘુ બસીયા નામના કેદીએ આવી ઝપાઝપી કરી હતી અને દાળ ભરવાના ટોપનું ઢાંકણ મારી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી.
આ દરમિયાન જેલ સિપાઈ આવી જતા જેલની હોસ્પિટલમાં વિશાલને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં રિફર કરાતા તબીબે માથામાં ટાંકા લીધા હતા. કાચા કામના કેદી સાથે ઝઘડો કરનાર કેદી ગોરખ બસીયા અને રાજુ બસીયા ભેસાણ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના કેસમાં ગત તા. 18 માર્ચથી અને ઇજાગ્રસ્ત કેદી વિશાલ ગત તા. 22 જુલાઈ 2023થી જૂનાગઢ જેલમાં હોવાનું જેલ સૂત્રોએ જણાવ્યું હતું. ઘટના અંગે ગુનો નોંધી એ ડિવિઝનના પીએસઆઇ પી. કે. ગઢવીએ તપાસ હાથ ધરી હતી.