સ્વામિનારાયણ ભગવાનના વાઘા બનાવવા આપેલું 6 કિલો ચાંદી કારીગર ઓળવી ગયો
પેલેસ રોડ પરના સોની વેપારીની ફરિયાદ પરથી ગુંદાવાડીના શખ્સ સામે ગુનો
શહેરના પેલેસ રોડ પર સોનીની દુકાન ધરાવતાં વેપારીએ સ્વામીનારાયણ ભગવાનના વાઘા બનાવવા માટે તેના કારીગરને આપેલું 6 કિલો સોનુ કારીગર ઓળવી જઈ પરત આપતો ન હોય જેથી તેમને પોલીસમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે કારીગર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલની પાછળ આઈકોન પ્લેટીનીયમમાં રહેતાં અને પેલેસ રોડ પર આશાપુરા ચોક ખાતે શ્રીજી સિલ્વર નામની દુકાન ધરાવતાં તેજસભાઈ સુરેશભાઈ રાણપરા (ઉ.27)એ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગુંદાવાડીમાં ગીરીરાજ એપાર્ટમેન્ટમાં રહેતાં તેના કારીગર નલીનભાઈ અમરશીભાઈ પાટડીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને ગત તા.15-1-2025નાં સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિના વાઘા બનાવવા માટેનો ઓર્ડર મળ્યો હતો. જેથી તેમણે તેના કારીગર નલીનભાઈ પાટડીયાને વાઘા બનાવવા માટે 4893.500 ગ્રામ ચાંદી અને સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિ આપી હતી અને એક મહિનામાં કામ પુરૂ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત અગાઉનું ચાંદી 1126 ગ્રામ કારીગર પાસેથી લેવાનું બાકી હતું.
દરમિયાન કારીગર વાઘા બનાવીને આપતો ન હોય જેથી તેની પાસે અવારનવાર ઉઘરાણી કરતાં તેણે જણાવેલું કે તેણે બીજા કામમાં ચાંદી વાપરી નાખ્યું છે અને હાલ તેની પાસે કોઈ ચાંદી નથી નવું કામ આવશે તો તેમાંથી વાઘા બનાવી આપશે અથવા ચાંદી પરત આપશે. તેમ કહ્યું હતું. પરંતુ આજ સુધી ચાંદી પરત આપેલું ન હોય આમ કારીગર કુલ 6020.310 ગ્રામ ચાંદી કિ.રૂા.6 લાખ ઓળવી ગયો હોય જે અંગે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ ડી.વાય.મહંતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.