જામકંડોરણાના ચિત્રાવડના સરપંચની દુકાનમાં નામચીન શખ્સનો આતંક
જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામના સરપંચની દુકાનમાં ધુસી તેજ ગામના નામચીન શખ્સે આતંક મચાવી દુકાનના વજન કાંટા ઉપર ઢીકો મારી તોડી નાખ્યો હતો. સરપંચને ગાળો આપી ખુનની ધમકી આપી હતી. આ શખ્સે ચાર દિવસ પહેલા પૂર્વ સરપંચ અને ગઇકાલે ચાલુ સરપંચને ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને આ શખ્સ સામે ગુનો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે રહેતા અને પાનની દુકાન ચલાવતા સરપંચ નીલેશભાઇ જમનભાઇ પાનસુરીયાની ફરિયાદને આધારે ચિત્રાવડ પાટી ગામે રહેતા યોગીરાજસિંહ ઉર્ફે રાજા ભાવુભા ચુડાસમાં સામે ફરિયાદ નોંધાવી છે. સરપંચ નીલેશભાઇએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ પોતાના પાનની દુકાને હતા ત્યારે યોગીરાજસિંહ ત્યા દુકાને આવ્યો હતો અને તુ ચિત્રાવડનો સરપંચ છો તો કોની હવા છે. તેમ કહી સોપારી જોખવાના કાંટા ઉપર ઢીકો મારી તોડી નાખ્યો હતો. નીલેશભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી હોય આ મામલે તપાસમાં જાણવા મળ્યુ કે સરપંચ નિલેશભાઇ ઉપરાંત આ ગામના પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ચુડાસમા સાથે પણ ચાર દિવસ પૂર્વ યોગીરાજસિંહે ઝઘડો કરીને ધમકી આપી હતી.
યોગીરાજસિંહ ચુડાસમા ચિત્રાવડ પાટી ગામનો વતની હોય અને અવાર નવાર લોકોને ધમકીઓ આપતો હોય તેમજ કેટલાક ગ્રામજનોએ તેની સામે પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ચુડાસમને ફરિયાદ કરી હતી જે બાબતે જયેન્દ્રસિંહ ચુડાસમાએ યોગીરાજસિંહને ઠપ્કો આપ્યો હતો જેનો ખાર રાખી પૂર્વ સરપંચ સાથે માથાકૂટ કરી ધમકી આપ્યા બાદ હાલના ચાલુ સરપંચ નીલેશભાઇ સાથે પણ ઝઘડો કરી દુકાનમાં ધુસી વજનકાંટો તોડી નાખ્યો હોય આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે યોગીરાજસિંહને ઠપ્કો આપનાર પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ સામે જિલ્લા પોલીસ વડાને ખોટી અરજી કરી પરેશાન કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ગ્રામજનો સાથે અવાર નવાર ઝઘડો કરતા આ નામચીન શખ્સને કાયદાનું ભાન કરવવા સરપંચ સહિતના આગેવાનોએ પોલીસ અધિકારીઓને રજૂઆત પણ કરી છે.