દિલ્હીમાં બદમાશોનો આતંક, મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીની ગોળી મારીને હત્યા
આજે સવારે દિલ્હીના શાહદરાના વિશ્વાસ નગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. બદમાશોએ એક વેપારીની ગોળી મારીને હત્યા કરી નાખી. વેપારી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન બાઇક પર સવાર બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગોળી વાગતાં વેપારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
મૃતક વેપારીનું નામ સુનીલ છે. તેમની ઉંમર 52 વર્ષની હોવાનું કહેવાય છે. સુનિલ જૈન જ્યારે યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી મોર્નિંગ વોક કરીને સ્કૂટી પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગોળી વાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બાઇક પર સવાર બે બદમાશોએ સુનીલને ગોળી મારી દીધી છે. હાલ પોલીસ સીસીટીવી દ્વારા આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
બાઇક પર સવાર બદમાશોએ વાસણોના વેપારીને નિશાન બનાવીને 6-7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગવાથી વેપારી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો અને રસ્તા પર ઢળી પડ્યો હતો.આ પછી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અજાણ્યા અપરાધીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
ફાયરિંગની ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસે ઘટના અંગે સ્થાનિક લોકો પાસેથી માહિતી એકઠી કરી છે. પોલીસે જણાવ્યું કે મૃતકના મૃતદેહને કબજે લેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. આ ઘટના પર દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે બીજેપી પર નિશાન સાધ્યું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું, 'ભાજપ હવે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રહી નથી. દિલ્હીની જનતાએ એક થઈને પોતાનો અવાજ ઉઠાવવો પડશે.
એક અધિકારીએ જણાવ્યું કે પોલીસે મૃતકના પરિવાર સાથે વાત કરી છે. તેમજ વેપારીને કોઈની સાથે જુનો વિવાદ છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ વેપારીના મોબાઈલની કોલ ડિટેઈલનું પણ વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી તે જાણી શકાય કે તેણે તાજેતરના દિવસોમાં કોની સાથે વાત કરી હતી.