ચોટીલા નજીકથી 31 લાખનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો અવનવા કિમીયા કરી વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે. ત્યારે બુટલેગરો ઉપર સ્ટ્રેટ મોનીટરીંગ સેલની ટીમે ઘોસ બોલાવી હોય તેમ અનેક વખત સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે અનેક બુટલેગરોને ઝડપી લઈ ઓપરેશનો પાર પાડ્યા છે. તયારે ચોટીલા નજીક આવેલા નવાગામમાં ગેસ ટેન્કરમાં છુપાવીને વિદેશી દારૂ ફાર્મ હાઉસમાં ઠલવાય તે પૂર્વે જ એસએમસીની ટીમે દરોડો પાડી 5433 બોટલ દારૂ અને ત્રણ વાહનો મળી રૂા. 66,09,243ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે 10 શખ્સોએ વોન્ટેડ જાહેર કરાયા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના નવાગામમાં કમલેશભાઈ ભીમજીભાઈ ધોળાના ફાર્મહાઉસ ખાતે ગેસના ટેન્કરમાં છુપાવીને વિદેશી દારૂ લવાયો હોવાની બાતમીના આધારે સ્ટેટમોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂનું કટીંગ થાય તે પૂર્વે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્ટેટમોનીટરીંગ સેલની ટીમે નવાગામના વિજય મગનભાઈ ચૌહાણને ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન પોલીસે રૂા. 31,02,243ની કિંમતનો 5433 બોટલ દારૂ ટ્રક, ટેન્કર અને પીકઅપવાન મળી રૂા. 66,09,243નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડા દરમિયાન હાજર મળી નહીં આવેલા રાજુ શિવા પરાલિયા, ચતુર શિવા પરાલિયા, રાહુલ ઉર્ફે ઢબુ બાબરિયા, મુકેશ ઉર્ફે મુકો હકાભાઈ કોળી, ટ્રક, ટેન્કર, પીકઅપવાન અને દારૂ મોકલનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં.
રેડ દરમિયાન ઝડપાયેલા શખ્સ અને નાશી છૂટેલા શખ્સો વિરુદ્ધ જિલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.દરોડા દરમિયાન નાશી છૂટેલા તેમજ ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં જેઓના નામ ખુલ્યા છે તે આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.