હોસ્ટેલમાં વિદ્યાર્થી ઉપર તાલિબાની બર્બરતા, ગુદામાં લાકડી ભરાવી
અન્ય છાત્રોની હાજરીમાં જ બે છાત્રોએ આચર્યુ રાક્ષસી કૃત્ય છતાં કોઇ બચાવવા ન આવ્યું
સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો, ધંધુકાના પચ્છમ ગામની હોસ્ટેલમાં શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના
અમદાવાદ જિલ્લાના ધંધુકાની પચ્છમ ગામની શાળામાં શિક્ષણ જગત માટે કલંકરૂૂપ ઘટના સામે આવી છે. પચ્છમ ગામના સરકારી છાત્રાલયમાં સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ ઘટનાને લઇને જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો વીડિયો વાઈરલ થતા લોકો દુષ્કૃત્ય આચરનાર વિદ્યાર્થીઓ, છાત્રાલયના વ્યવસ્થાપકો અને કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠાવી રહ્યા છે સાથે જ વિદ્યાર્થી સાથે હેવાનિયત આચરનાર વિદ્યાર્થીઓ સગીર હોવા છતાં તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માગ ઉઠી છે.
મળતી માહિતી અનુસાર ધંધુકાના પચ્છમ ગામની છાત્રાલયનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ અન્ય સગીર વિદ્યાર્થી સાથે અભદ્ર હરકત કરતા જોવા મળે છે. આ વીડિયોમાં સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કૃત્ય આચરાતું હોવાનું જોઇ શકાય છે. આ વીડિયોના અવાજમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે પીડિત વિદ્યાર્થી પર એટલી હદે ક્રુરતા આચરાઈ રહી છે કે તે પીડાનાં કારણે પોક મૂકીને રડી રહ્યો છે તેમ છતાં નફ્ફટ સહ વિદ્યાર્થીઓ તેની પર વધારે અત્યાચાર કરી રહ્યા છે. હોસ્ટેલનાં જ બે વિધાર્થીઓ એક સગીર વિદ્યાર્થીને નગ્ન કરી તેનાં ગુદામાં લાકડી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભોગ બનનાર વિદ્યાર્થી વારંવાર રડે છે ચીસો પાડે છે તેમ છતાં રાક્ષસરૂૂપી વિદ્યાર્થીઓ એક ના બે થતા નથી અને જુલમ ગુજારી રહ્યા છે.
પીડિત બુમો પાડે કે રડે તો તેને ચૂપ કરાવવા વધુ મારવામાં આવે છે. ચપ્પલ અને લાકડી વડે તેને મારવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક વિદ્યાર્થી ઉતારી રહ્યો છે. રૂૂમમાં રહેલા અન્ય વિદ્યાર્થીઓ આ સમગ્ર નજારો જોઈ રહ્યા છે પણ ભયનાં કારણે કોઈ રોકતુ નથી.
પોલીસ સ્ટેશનમાં આરોપીઓને જોઇ પરિવારજનો વિફર્યા, પોલીસ સાથે ઝપાઝપી
ધંધુકાના પચ્છમ ગામની હોસ્ટેલમાં રેગિંગ મુદ્દે પોલીસે પાંચ આરોપી સામે પોક્સો, આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ મામલે ધંધુકા પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હેઠળ આરોપીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતાં. જે દરમિયાન આરોપીઓને જોઈ પીડિત વિદ્યાર્થીના પરિવાર રોષે ભરાયા હતાં. બાદમાં મામલો વકર્યો અને વાલીઓ તેમજ પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં. સમગ્ર મામલે પોલીસ પીડિતના પરિવારને શાંતિ જાળવવા અપીલ કરી રહી હતી. પરંતુ, આરોપીઓને જોઈ પીડિત વિદ્યાર્થીના પરિવારજનો બેકાબૂ બનતાં પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.
વીડિયો જોઇને મારું હૃદય હચમચી ગયુ : ગૃહપતિ
આ બાબતે ગૃહપતી એ જણાવ્યું હતું કે, બનાવ બન્યો ત્યારે હું હાજર ન હતો પ્રયાગરાજ ગયો હતો મને ટેલીફોનિક જાણ થતાં હું તાત્કાલિક છાત્રાલય દોડી આવ્યો હતો પરંતુ જે વીડિઓ વાયરલ થયો છે એ છાત્રાલયના વિધાર્થીઓનો જ છે આ બાબતે ભોગ બનનાર અને જુલમ ગુજારનાર ના વાલીઓને જાણ કરી તેમને વિદ્યાર્થીઓને સોંપી છાત્રાલયમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ બાબતે ભોગ બનનાર વાલીઓએ ધંધુકા પોલીસ મથકે ફરિયાદ આપવા ગયા હતા પરંતુ ભોગ બનનાર અને જુલમ ગુજારનાર બંને વચ્ચે સમાધાન થયું હોવાનું અમને બીજા લોકો દ્વારા જાણવા મળ્યું છે. પરંતુ વીડિયો જોયો ત્યારે અમારું હૃદય હચમચી ગયું હતું અને આવા લોકોને કોઈ પણ ભોગે છોડવામાં ન આવે એવું અમારું માનવું છે.