તાલાલા મામલતદાર કચેરીનો ઓપરેટર અને બે દલાલ રૂા.1200ની લાંચ લેતા ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં ભ્રષ્ટાચાર પર એસીબીએ પોતાનો પંજો માર્યો છે. જોકે, આ પંજામાં કોઈ સરકારી અધિકારી નહીં પરંતુ એક કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર સહિત બે સામાન્ય લોકોને રંગેહાથે પકડી પાડવામાં આવ્યા છે. જૂનાગઢ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ છટકું ગોઠવીને રાશન કાર્ડમાંE-KYC કરાવવા માટે રૂ. 1200ની લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર સહિત ત્રણ વ્યક્તિઓને રંગેહાથ ઝડપી લીધા છે.મળતી વિગતો મુજબ, ફરિયાદીએ તાલાલા પુરવઠા શાખામાં પોતાના રાશન કાર્ડમાંE-KYC કરાવવા માટે અરજી કરી હતી. ત્યારે કોમ્પ્યુટર ઓપરેટર મયુર વાસાએ દલાલો અલ્પેશ દુધરેજીયા અને સંજય વાજા દ્વારા ફરિયાદી પાસેથી રૂ. 1200ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ બાબતે જૂનાગઢ ACBમાં ફરિયાદ નોંધાવી હતી.ACBના પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળની ટીમે આજે તાલાલા મામલતદાર કચેરીમાં છટકું ગોઠવ્યું હતું.
નક્કી કરેલા સ્થળે ફરિયાદીએ લાંચની રકમ આપતાં જ ત્રણેય આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. લાંચની રકમ પર કેમિકલ લગાવીને ચકાસણી કરવામાં આવી હતી અને તેની પુષ્ટિ થઈ હતી.આરોપી મયુર વાસા પાટાટ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર હોવાથી તેની પાસેE-KYCની સીધી સુવિધા હતી, તેમ છતાં તેણે ગરીબ લાભાર્થીઓ પાસેથી લાંચ વસૂલવાનું કૌભાંડ ચલાવ્યું હતું. દલાલો અલ્પેશ અને સંજય લોકોને લાંચ આપવા માટે લઈ જતા હતા.જૂનાગઢ ACBએ ત્રણેય આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ ફરી એક વખત સરકારી કચેરીઓમાંE-KYC , નવા રાશન કાર્ડ તથા અન્ય સેવાઓ માટે લાંચની ફરિયાદોને ઉજાગર કરી છે. આ દરમિયાન ACBએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ કર્મચારી કે દલાલ લાંચ માંગે તો તુરંત ACBના હેલ્પલાઇન નંબર 1064 પર જાણ કરવી.